પત્ર : ૮૦

‘જહાં દેખું તહાં રામજી બીજું કાંઈ ન ભાસે રે.’ એ રીતે શ્રીજીમહારાજે અનેક રૂપ બતાવી જીવોના આત્યંતિક મોક્ષ કર્યા છે. અનાદિ મુક્ત તો મૂર્તિમાં જ છે, બહાર નીકળતા જ નથી. (એક રહસ્ય એ), અને (બીજી રીતે) શાસ્ત્રોક્ત દૃષ્ટિએ અનુક્રમે બધુંય લખ્યું છે તે પણ સત્ય જ છે. એક સમુદ્રને કિનારે ઊભો હોય અને વર્ણન કરે અને એકસો વર્ષ સુધી સમુદ્રમાં વહાણ ચાલી ગયા પછી જળમય દૃષ્ટિ થઈ હોય ને વર્ણન કરે, તેવું છે. આપણે બધાય કહીએ છીએ : અ. મુ. પર્વતભાઈ આમ બોલ્યા : હે મહારાજ ! મને લોકો એમ કહે છે જે તમને સાઠ વર્ષ થયાં, પણ મેં તમારી મૂર્તિ વિના બીજું કાંઈ દીઠું જ નથી. તે મહાન સ્થિતિની વાત છે. નહિ તો મેઘજી નામે તેમને દીકરો હતો અને ખેડ કરતા, છતાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એમની સ્થિતિ વિષે લખ્યું કે :

‘‘એક હરિજન પર્વતભાઈ, અચરજકારી છે;

સદા રહે મૂર્તિ માંહી, અચરજકારી છે.’’

એમ બાપાશ્રીના રહસ્ય અભિપ્રાયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેવા પણ એ જ સ્થિતિમય હતા, આપણે એ સભાને આવી સ્થિતિના માનીએ તો આપણી એવી સ્થિતિ થાય.