પત્ર : ૬૫
કોઈ આપણને નુકસાન કરી ગયો તે પણ સંભારશે કે મારી ભૂલ થઈ ગઈ પણ આ લોકો બધા સારા હતા, સ્વામિનારાયણ ભગવાનના કૃપાપાત્ર હતા, એટલો કોઈ વાર પસ્તાવો કરશે તો તેનું પણ મહારાજ સારું કરશે, પણ ભાગ્ય હોય તો જ એ વાત બને છે, આપણે તો તેના પણ સારા સંકલ્પ કરવા. બાપાશ્રી વાતોમાં જીવને નાદાન કહેલ છે. તે નાદાન તો એવા જ હોય. આપણા સંતોએ કેટલાય અજ્ઞાનીના દોષ જોયા નથી તેમ આપણે એવાનાં પણ સારા સંકલ્પ કરવા. મહારાજની રીત એવી છે.
‘‘જન અવગુન પ્રભુ માનત નાંહીં,
દીનબંધુ અતિ મૃદુલ સ્વભાવ.’’
એ સનાતન રીત છે, જીવનાવાંક ગુના જુવે તો કોનાં કલ્યાણ થાય ! તે માટે બહુ ઉદારતા મહારાજે વાપરી, સૌના ખોટનાં ખાતાં વાળી નાખ્યાં; ‘‘અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો.’’ એમ ભક્ત ઉપર કૃપાનો સમુદ્ર રેલાવ્યો છે. આ લોકમાં તો અનેક પ્રકારના જીવો દેખાય છે છતાં મહારાજ તથા મોટાના સંકલ્પ તો જીવોને ઉદ્ધારવાના જ છે. આપણને આવા કૃપાના સાગાર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ મળ્યા, તેમનું પ્રત્યક્ષ દર્શન, દિવ્યસભાનાં દર્શન તે ન બનવાનું બની ગયું છે.
દેહ છતાં એ પ્રાપ્તિ થઈ. જેને દેહ પડ્યા પછી મળાય, તે છતે દેહે મળ્યા, અઢળક ઢળ્યા, એમની અમૃત નજરે આપણે સુખિયા છીએ.