પત્ર : ૯૦

અનાદિની સભા કહેવાય છે પણ એ મુક્તો બધા મૂર્તિ ભેળા જ છે. મહારાજની પૂજા ભેળા એ સદાય પૂજાય છે. મહારાજની પ્રાપ્તિ થતાં એ સભા પ્રાપ્ત થઈ ગઈ. એટલે પરમ કૃપાળુ બાપાશ્રીનાં અમૃત વચનોનો જ્ઞાનબોધ એ એક જ વાત પર છે કે શ્રીજીમહારાજ ભેળા અનાદિ મુક્ત છે તે તો મૂર્તિના દિવ્ય સુખમાં તૃપ્ત રહે છે, સુખમાં લુબ્ધ થકા મૂર્તિમાં એકતાર જોડાઈ રહ્યા છે, સુખમાં થીજી રહ્યા છે, સુખમાં કિલ્લોલ કરે છે, અપાર ને અપાર સુખ અનુભવે છે, સ્વતંત્ર થકા એ દિવ્ય સુખનો આહાર કરે છે, ક્યારેય એ સુખનો પાર પામતા નથી. આવી ઉત્તમ સ્થિતિ અનાદિની તેને પમાડવા બાપાશ્રી દ્વારે શ્રીજીમહારાજે સત્સંગ પર કરુણા કરી છે, અને એ જોગમાં જે જે આવી ગયા તેને એ વાત મનાણી છે, જેથી સદાય પૂર્ણકામ રહે છે. સત્સંગમાં અનેક વાર આપણે આવ્યા હોઈશું, પણઆ વખતે ઘણો લાભ મળ્યો છે. બાપાશ્રી કહે છે કે તમે ધુણી-પાણી ભેળા કર્યા હશે. મોટા મુક્તોએ પણ,

‘અગમ સુગમ થયું સોય, પુરુષોત્તમ પ્રગટી રે’,

એમ જ મનાવ્યું છે. અ. મુ. મનસુખભાઈને આનંદનો ઊભરો આવતો ત્યારે કહેતા કે,

‘અઢળક ઢળ્યા આ વાર, વા’લો મારો,

અઢળક ઢળ્યા આ વાર.’