પત્ર : ૮૩
અનાદિ મુક્તને મૂર્તિ વિના બીજો રસ નથી, ‘વા’લા એ રસના ચાકણહાર છાશ તે નવ પીયે’, એ રીતે મહામુક્તો મૂર્તિના સુખ વિના કાંઈ ઇચ્છતા નથી. બાપાશ્રીની વાતોમાં છે કે એવા મહામુક્તો અપાર સુખમાં ડૂબ્યા જ રહે છે. એમને મૂર્તિ વિના કાંઈ છે જ નહિ. કલ્પે કલ્પ વીતી જાય તો પણ એ સુખમાંથી તૃપ્ત થતા નથી. આવાં વચનોથી અનાદિની સ્થિતિનો કિંચિત્ અનુભવ થાય. માટે આવા પરભાવના વચનનું વધુ મનન કરવું. આપણે મૂર્તિમાં છીએ એમ વાચ્યાર્થમાં નહિ, પણ લક્ષ્યાર્થમાં સમજવાનું છે. બાપાશ્રી કહે છે કે જીવ, ઈશ્વર, માયા વગેરેને અનાદિ કહેવામાં જીવ અચકાય નહિ, પણ અનાદિ છે એને અનાદિ કહેતાં અચકાય છે ! જેમ ભગવાન ક્યારે થયા ? એ પ્રશ્ન પુછાય જ નહિ, તેમ અનાદિની સ્થિતિનું પણ એમ જ જાણવું. મોટા સદગુરુઓએ મર્મમાં ઘણા શબ્દો લખ્યા છે, સમજાવ્યા છે, પણ પાત્રતામાં ન્યૂનપણું, તેને લઈને સત્સંગમાં મહારાજ તેને ફરી ફરી લાવ્યા કરે છે. બાપાશ્રીના પ્રગટપણા વખતે આ જ્ઞાન તથા સ્થિતિનું સુગમપણું થયું તે પણ તેમની કૃપાએ જ થયેલ છે. મોટા સંતો અને શ્રીજીમહારાજ દૃષ્ટિમાત્રે નિરાવરણ કરી દેતા, સમાધિ કરાવી ધામનો અનુભવ કરાવતા, એવું ઘણું લખાયું છે, પણ ધામ અને મૂર્તિ છેટે નહિ. જેમ કોઈ રાજા અન્ય વેશમાં હોય તેને રાજાનું જ્ઞાન થતાં દૂર-નજીક રહે નહિ, તેમ શ્રીજીમહારાજની મૂર્તિ ધામમાં છે તે જ ભક્તિધર્મને ઘેર છે અને તે જ સિંહાસનમાં મૂર્તિરૂપે દર્શન આપે છે. આ ત્રણેય સ્વરૂપમાં રોમને ફોર નથી, એમ બાપાશ્રી સમજાવે છે. એ જ રીતે જ્યાં મૂર્તિ છે ત્યાં જ અનંત અનાદિ મુક્તો ભેળાને ભેળા જ છે, ક્ષણમાત્ર જુદા રહેતા નથી. રસબસભાવ, તાણો-વાણો, ઓતપ્રોત, તદ્રૂપ - એવા દૃષ્ટાંતથી સમજાવે છે. એનો અર્થ એ છે કે સદાય ભેળા રહે છે. દૃષ્ટાંત કોઈ મળે નહિ એટલે વૃક્ષમાં રસ હોય તેમ અનાદિ મુક્ત મહારાજની મૂર્તિ ભેળા જ છે; દૂધમાં સાકર હોય તેમ છે, ઓતપ્રોત છે. આ સિવાય અનેક દૃષ્ટાંતો આથી ન્યૂન સ્થિતિનાં લખાણાં છે. એ દૃષ્ટાંતથી આવી સર્વોત્તમ સ્થિતિ સમજાય કે પમાય નહિ. આ તો શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારે કેવળ કૃપા કરી છે, એમ જાણવું. બીજાં દૃષ્ટાંત - સિદ્ધાંત મૂર્તિ સુખી પહોંચી શકતાં નથી. એટલે મોટા મુક્તોએ અનવધિકાતિશય, અપાર, અગમ્ય, અગોચર, કારણના કારણ, સારના સાર, પ્રાણના પ્રાણ, આત્માના આત્મા, સર્વાધાર, સર્વોપાસ્ય, કારુણ્યમૂર્તિ - એવાં એવાં વચનોથી સહેજ ખ્યાલ આપ્યો છે.
‘‘અગમ અગાધ સ્વરૂપ અગોચર, વદત નેતિ કરી વેદ;
પ્રગટ પ્રમાણ હરિ પુરુષોત્તમ, સાધુ જાનત ભેદ.’’
‘‘મોટો મહિમા રે જગતમાં હરિજનનો.’’
‘‘બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી.’’
શ્રીજીમહારાજ કહે છે કે એવા સત્સંગી વૈષ્ણવ છે તે જ અમારી નાત છે, એવા સત્સંગી ભેળું સદાય રહેવું છે. મધ્યના ૪૮મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, ‘અમારે કોઈ રીતે દેહ ધર્યાનું નિમિત્ત નથી તો પણ સંતના મધ્યમાં જન્મ ધરીને રહીએ.’ આવાં વચનો શ્રીમુખનાં છે. તેમાં અનાદિની સ્થિતિ થતાં ભગવાનનું પ્રગટપણું સદાય રહે છે તેમ જણાવ્યું છે.
‘‘સૂર સહજાનંદજી રે આપે થયા છે ઉદ્યોત.’’
કોઈની ગતિ નથી. એટલે ‘‘ગરુડ ઊડી શક્યો નહિ, પછી અમે એકલા જ ઊડ્યા ને સર્વેથી પર એવું જે ધામ ત્યાં ગયા, ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, મારે પગને અંગૂઠે કરીને અનંત બ્રહ્માંડની પૃથ્વી ડગાવું તો ડગવા માંડે. મારે તેજે સર્વે તેજાયમાન છે.’’ આવા ભગવાન જે મહાપ્રભુ શ્રીહરિ સહજાનંદ સ્વામી મહારાજ તેમણે આ બધુંય સમજાવ્યું છે. અનાદિથી એકાંતિક સુધીના સર્વે ભેદ સમજાવ્યા. આપણે તો છેલ્લી પ્રાપ્તિ અને છેલ્લો મુદ્દો અનાદિનો જાણવો. તેમાં બધુંય આવી જાય છે. ખરો આત્યંતિક મોક્ષ આ એક જ છે. ત્યાર પછી ઉત્તરોત્તર સ્થિતિમાં જેવી સ્થિતિ તેવું સુખ.