પત્ર : ૬૪

અમો વડતાલ આવ્યા તેથી લાભ ઘણો મળ્યો. સમૂહ બહુ મોટો ભરાયો હતો. બંને આચાર્યો પધારતાં સૌને લાભ મળ્યો. મંદિરની અદભુત શોભા, સંત હરિભક્તોનો સમૂહ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રીહરિકૃષ્ણ મહારાજની પ્રસન્નતા સૌ પર વધુ જણાતી હતી. અભિષેક વગેરેનાં દર્શનને લીધે વધુ લાભ થયો. રજત મહોત્સવમાં બંને આચાર્યોએ ભાગ લીધો હોવાથી શ્રીહરિની પ્રસન્નતા બહુ થઈ. મુંબઈ, સુરત, વડોદરા વગેરે તથા બીજા ગામડાના હરિભક્તો તરફથી આચાર્ય મહારાજને ભેટો અર્પણ થઈ તે ધર્મધુરંધર આચાર્ય મહારાજે શ્રી લક્ષ્મીનારાયણ દેવને અર્પણ કરી હતી. શ્રીહરિને પ્રસન્ન કરવાના આશાયથી મોટેરા હરિભક્તોનાં વ્યાખ્યાનો થયાં હતાં. ટૂંકમાં, આ સમૈયો આનંદ-સ્મૃતિ રહે તેવો હતો. શ્રીજીમહારાજે ઉત્સવ-સમૈયા સ્મૃતિ રહેવા સારુ કર્યા છે. સિદ્ધ મુક્તને તો કારણ મૂર્તિમાં બધું છે, એટલે એમને તો કાંઈ વિશેષ નથી તો પણ આ દિવ્ય સભાનાં દર્શનથી, તેમને દિવ્ય જાણવાથી મહારાજ રાજી થાય. આપણને બાપાશ્રીએ અનાદિની સ્થિતિ સમજાવી તેમાં તો મહારાજ ભેળા અનંત મુક્તો છે, બધાં મૂર્તિ આકારે છે. આપણે એવું મનન કરવાનું છે. એમાં જ્ઞાન, ધ્યાન, સ્થિતિ, પ્રાપ્તિ બધું સાથે છે. આવા અનુસંધાન માટે એવા મોટા મુક્તના જોગની જરૂર છે. એ જોગ મૂર્તિ સાથે છે. બાપાશ્રી કહે છે કે વાચ્યાર્થમાં પડ્યું રહેવું નહિ, લક્ષ્યાર્થ કરવો. શ્રીજીમહારાજની પ્રાપ્તિથી અધિક કાંઈ નથી. એ મૂર્તિનું દિવ્યસભાએ સહિત ચિંતવન, અનુસંધાન રહે તેવો ખટકો રાખવો.