પત્ર : ૪૫

મહાપ્રભુની લીલા અજબ છે. અકળ કળા કોઈથી કળાય તેવી નથી. મોટા મોટા મંદવાડ જણાવે છે તેમાં હેતુ સેવાનો હોય છે. તેથી અનેકના મોક્ષ થાય છે. પરમ દયાળુ બાપાશ્રીનો મંદવાડ લીલારૂપ, તેવો જ તેમના હેતવાળા મુક્તોનો - કેસરાબાપા, ધનજીબાપા, દેવરાજબાપા, દેવજીભાઈ, ભૂરાબાપા, લાલુબાપા, નાગજીભાઈ, ભોગીલાલભાઈ, ધનજીભાઈ આદિ મહામુક્તોના મંદવાડની રીત પણ અલૌકિક. આપણે સૌએ એ જોઈ. તે જ રીતે સદગુરુઓની લીલા - સદગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સદગુરુ વૃંદાવનદાસજી, સદગુરુ ઘનશ્યામદાસજી, સદગુરુ હરિનારાયણદાસજી, સદગુરુ ભગવત્સ્વરૂપદાસજી, સદગુરુ બાલકૃષ્ણદાસજી, બ્રહ્મચારી નિર્ગુણદાસજી આદિ મહામુક્તો - જેમનાં દર્શનમાત્રે મોક્ષ થાય - તેમણે પણ નોખી નોખી લીલાઓ મંદવાડ પ્રસંગે જણાવી અનેકના મોક્ષ કર્યા છે. આપણને આ મહામુક્તોનો દિવ્યભાવ સમજાણે તે પણ એમની દયા. આ બધા મુક્તો મૂર્તિના સુખભોક્તા ને આપણા મોક્ષના સહાયક છે. પોતે મૂર્તિના સુખભોક્તા બનીને આપણને મૂર્તિમાં રહેવાની દૃઢતા કરાવી છે. દયાળુ બાપાશ્રીની કૃપાનું તો વર્ણન કોણ કરી શકે ?