પત્ર : ૭૨
અવરભાવમાં વ્યવહાર કાર્ય ગમે તે કરીએ, પણ પરભાવ સામી નજર રાખવી. અક્ષરધામમાં જે મહારાજ દિવ્ય તેજોમય છે, તે જ મહાપ્રભુ તેજ-ઐશ્વર્ય બંધ કરી મૂર્તિરૂપે દર્શન દે છે. જેવા ધામની સભા દિવ્ય છે, તેવા જ સત્સંગમાં સંત હરિભક્ત દિવ્ય છે, એમ જાણી આપણું મોક્ષરૂપ કાર્ય સિદ્ધ કરી લેવું. મહારાજ અને મહારાજનું અક્ષરધામ તથા દિવ્ય સભા સદાય છે, છે ને છે જ. સર્વાધાર હોય તે સર્વત્ર હોય. આવો પરભાવ દૃઢ કરવો. મહારાજનાં વચનામૃત, સદગુરુઓની વાતો તથા બાપાશ્રીની વાતોનું મનન કરવું. કલ્યાણને અર્થે અનેક ગ્રંથો મોટાએ રચ્યા છે. તે ચરિત્રસાગરમાંથી જેટલું ચાંચમાં બળ હોય તેટલું લેવું, પીવાય તેટલું અમૃત પીવું, ઉડાય એટલું ઊડવું, સર્વ દિવ્ય ચરિત્રો - ઉપદેશ વચન બધાં આપણા અર્થે છે. તેમાં જે પ્રકરણ આપણા અંગમાં મળતું આવે તે લેવું અને બીજું બીજા ભક્તોને અર્થે છે એવો નિર્ણય મહારાજે સમજાવ્યો છે. આપણા ઉપર તો શ્રીજીમહારાજ અઢળક ઢળ્યા છે, જેથી મળ્યા નેમનાણા. આવો વિચાર કરતાં એ મૂર્તિ મુખ્ય રાખવી. શ્રીજીમહારાજની સરખામણીમાં કોઈ નથી. અજોડ અદ્વિતીય મહાપ્રભુ આપણને મળ્યા છે. અવતાર અનંત, મુક્ત અનંત, ઐશ્વર્યાર્થી અનંત પણ મહારાજ તો એક જ :
‘જોવા રાખી નહીં જોડ, પુરુષોત્તમ પ્રગટી રે.’’
એવી પ્રાપ્તિ આપણને છે. મહારાજે કૃપા કરી સૌને પોતાની દિવ્ય મૂર્તના સુખ ભોક્તા કર્યા છે, એ સત્ય છે અને સત્ય રહેશે.