શ્રી વૃંદાવનદાસજી સ્વામીના સંસ્મરણો

0:000:00

સ્વામીશ્રી અતિ ચમત્કારી, અલૌકિક, દિવ્ય મૂર્તિ હતા. જેમના કૃપાપ્રસાદથી અસંખ્ય મુમુક્ષુઓ સુખિયા થઈ ગયા એવા એ સદગુરુ સંતનાં અનેક પ્રતાપ કાર્યો નજરે પડે છે, પણ તે લખવામાં માત્ર સત્સંગના મુમુક્ષુ વર્ગને આ અલૌકિક પ્રસાદની ઝાંખી કરાવવાનો જ આશય છે. કારણ કે સ્વામીશ્રી પોતે જ્ઞાનમૂર્તિ હતા અને પોતાના રહસ્યજ્ઞાનમાં મુક્તને સર્વ ક્રિયામાં કે કાર્યમાં મૂર્તિનું-મહારાજનું જ મુખ્યપણું હતું. એટલે એ બધી ક્રિયા મહારાજ સ્વયં કરે છે એ જ સિદ્ધાંત હતો. મુક્ત થયા પછી મૂર્તિમાં તદાકાર થઈ ગયેલા મુક્તને નામ માત્રનો પણ જુદારો નથી; અને તેથી જ સ્વામીશ્રી જેવા મોટાનાં ઐશ્વર્યો કે ચમત્કારોનું વર્ણન કરવામાં તેમની સ્થિતિની મહત્તા વધારવા જેવું કશું જ નથી. તથાપિ સામાન્ય વર્ગના મુમુક્ષુઓને આવા સમર્થ દિવ્ય મુક્તની મોટપ તેમનાં કાર્યોમાંથી સમજાય અને તેમના દ્વારે શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિને વિશે સ્નેહ બંધાઈ છેવટે આવું સર્વોપરી જ્ઞાન સિદ્ધ થઈ જાય એ હેતુથી સ્વામીશ્રીના દિવ્યભાવનાં સંસ્મરણોની ટૂંક નોંધ અહિ પ્રસિદ્ધ કરેલી છે.

1. આ સદ્. સ્વામીશ્રી ગામડામાં ફરતા હતા ત્યાં એક બ્રાહ્મણે આવી વર્તમાન ધરાવવા માગણી કરી. ત્યારે પોતે એમ બોલ્યા કે, 'તમોએ તો અમદાવાદમાં બ્રહ્મચારી બાળમુકુંદાનંદજી પાસે વર્તમાન ધરાવ્યાં છે અને ફરી વાર કેમ વર્તમાન ધરાવવાની માગણી કરો છો?' આવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી તે બ્રાહ્મણને બહુ જ દિવ્યભાવ આવ્યો. અને આ સદ્. સ્વામીશ્રીને અંતર્યામી જાણી આગ્રહપૂર્વક તેમની પાસે પણ વર્તમાન ધરાવ્યાં અને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી સત્સંગમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતાં મહાસુખિયા થઈ ગયા.

2. એક વખત મૂળી મંદિરના મેડા પર સંતોની સભામાં બાપાશ્રી વાતો કરતા હતા. ત્યાંથી સભા સમય થયો એટલે બીજા સંતો ગયા પણ સ્વામીશ્રી બેસી રહ્યા. તેથી બાપાશ્રીએ પૂછ્યું, 'સ્વામી, કેમ બેઠા છો?' ત્યારે પોતે જ રમૂજ કરતાં કહ્યું, 'પ્રસાદ આપો' ત્યારે બાપાશ્રી કહે, 'ધ્યાન કરો, પ્રસાદ મળશે.' આ આશીર્વચન બાદ સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી પોતાને આસને જઈ ધ્યાન કરવા બેઠા. ત્યાં તો તેમને મહારાજનાં તેજોમય દર્શન થવા લાગ્યાં. તેથી આનંદભર્યા એમ ને એમ સવાર સુધી બેસી રહ્યા. પછી નાહી-ધોઈ પૂજા કરી બાપાશ્રી પાસે દર્શને આવતા હતા ત્યાં છેટેથી બાપાશ્રીએ કહ્યું, 'સ્વામી, પ્રસાદ મળ્યો ને!'

બાપાશ્રીની આવી અલૌકિક કૃપાની વાત કરતા સ્વામીશ્રી કેટલીક વાર સભામાં હરિભક્તોને કહેતા કે, મોટા મુક્ત કૃપા કરે તો તરત મૂર્તિ સિદ્ધ થઈ જાય. આ વાત સ્વામી ભગવતસ્વરૂપદાસજીને પણ સ્વામીશ્રીએ કરી હતી.

3. સ્વામીશ્રી સંતોએ સહિત પાટડીમાં હતા ત્યાં એક પોસ્ટમેને આવી પોતાને ધ્યાન કરતાં વિક્ષેપ થતો હતો તે વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ તેના માથે હાથ મૂકી દિવ્યભાવે મહારાજનું ધ્યાન કરવાની લટક સમજાવીને કહ્યું, 'હવે આ રીતે ધ્યાન કરજો, વિક્ષેપ નહિ નડે.' તરત જ તે હરિભક્તે ત્યાં જ ધ્યાન કરવા માંડ્યું. ત્રણ, ચાર કલાકે જાગ્રત થઈ પોતાને દિવ્ય દર્શન થયાની વાત કરીને કહ્યું, 'સ્વામી! તમે તો મારો જન્મ સફળ કર્યો.' ત્યારે સ્વામીશ્રી કહે, 'આમ ને આમ મહારાજમાં વૃત્તિ રાખ્યા કરજો તો અખંડ સુખમાં રહેવાશે.'

4. દદુકાવાળા પુરુષોત્તમભાઈના આગ્રહથી સ્વામીશ્રી બજાણા પધાર્યા હતા. એ વખતે મૂળીના સંતો, સ્વામી ભગવતસ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી વગેરે ગોરૈયે મૂર્તિ લેવા ગયા હતા. ત્યાંથી મૂર્તિ લઈ બજાણા આવ્યા ત્યારે સ્વામીશ્રીએ સભામાં કહ્યું જે, 'જુઓ! ભગવાન આવ્યા.' પછી સંતોને મળી મૂર્તિના સુખની વાતો કરવા માંડી. એ વખતે આસપાસનાં ગામડાંના હરિભક્તો સભામાં બેઠા હતા. તે સાથે માલવણનો સુંદર નામે ખોજો આવેલ તે પાસે બેઠો હતો. આ ખોજાએ બાપાશ્રી તથા સદગુરુશ્રીનાં સેડલામાં દર્શન કરેલાં ત્યારે પોતે સાકર ભેટ મૂકી પોતાના સંકલ્પ પ્રમાણે ચમત્કાર જોયેલ, તેથી સ્વામીશ્રીને મોટા પુરુષ જાણી વાતો સાંભળતો હતો. તેને સ્વામીશ્રીએ પૂછ્યું, 'આ કલ્યાણ થવાની વાતો થાય છે તેની તમને હા પડે છે?' ત્યારે તે કહે, 'તમારે મોટા પુરુષને શું? તમે તો જડ-ચૈતન્યના ધારો તેનાં કલ્યાણ કરી નાખો.' ત્યારે સ્વામી કહે, 'જડનાં કલ્યાણ કરવાં સહેલાં છે, પણ તર્કબુદ્ધિવાળા મનુષ્યને વિશ્વાસ ન આવે, તેથી વાર લાગે. જો મોટા પુરુષનાં વચન મનાય તો કલ્યાણમાં વાંધો ન આવે.' એમ કહીને તેને મોક્ષ થવાનું વચન આપ્યું.

5. આ સદ્. સ્વામીશ્રી કારિયાણા ગામમાં હતા ત્યાં બજાણાના ખુશાલભાઈ સિંહાસન માટે ઉઘરાણું કરવા ગયા હતા. તેને સ્વામીશ્રીએ કહ્યું, 'ખુશાલભાઈ! તમારે ગામનું મંદિર તો થયું, પણ હવે ચૈતન્યમાં મૂર્તિ પધરાવો એટલે તમારું મંદિર થાય!' એમ કહી તેમના પર રાજી થઈ હાથમાં પાણી આપી આશીર્વાદ આપ્યા કે તરત જ તેમને ધ્યાનમાં મહારાજનાં દર્શન થવા લાગ્યાં. આ વાત તેમણે સેડલામાં સ્વામી ભગવતસ્વરૂપદાસજી હતા તેમને જણાવી કહ્યું કે આ ફેરે તો સ્વામીએ મને ન્યાલ કરી દીધો.

6. સંવત 1962માં સમૈયા પ્રસંગે વડતાલમાં અનાદિ મુક્તરાજ બાપાશ્રી કચ્છી સંઘે સહિત પધાર્યા હતા ત્યારે કાણોતરના બાપુભાઈએ આખી રાત એ સંઘને પ્રદક્ષિણા ફરતાં ચોકી કરેલ, તે સેવાથી રાજી થઈ બાપાશ્રીએ તેમને સંઘે સહિત કાણોતર પધારવાનું વચન આપેલું હતું. જ્યારે બાપુભાઈને દેહ મૂકવા જેવો મંદવાડ થઈ ગયો ત્યારે તે હેતે સહિત સંભારવા લાગ્યા. તે વખતે બાપાશ્રીએ આપેલ વચન પ્રમાણે તેમને શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સંઘે સહિત દર્શન થયાં. તે એમ ને એમ ત્રણ દિવસ સુધી દર્શન થયાં કર્યાં. આ વખતે સ્વામીશ્રી નળકંઠામાં ફરતા હતા ત્યાં એમને પણ એવાં જ દર્શન થાય; તેથી સભામાં મર્મ કરી કહેતા કે, 'મોટા મુક્ત કોઈને વચન આપે તે સત્ય કરે છે.' કોઈ હરિભક્તને વાત પણ કરતા. એ વખતે ત્યાં દેવથળના ડાહ્યાભાઈ, જે સ્વામીશ્રીના પૂર્ણ કૃપાપાત્ર હતા તે આવ્યા. તેમને પણ સ્વામીશ્રીએ આ વાત કરી. આથી એમણે કાણોતર ખબર કઢાવ્યા ત્યારે સ્વામીશ્રીના કહેવા પ્રમાણે જ તેમને દર્શન થયાં હતાં.

7. સંવત 1966માં મૂળીથી પુરાણી ધર્મકિશોરદાસજી, સ્વામી ભગવતસ્વરૂપદાસજી, સ્વામી શ્વેતવૈકુંઠદાસજી તથા સંતદાસજી વગેરે સંતો બાપાશ્રીનાં દર્શન કરવા કચ્છમાં ગયેલા. એક દિવસ કાળી તલાવડીમાં સંતો સાથે નાહી, ઝાડને છાંયે બેસી બાપાશ્રીએ મૂર્તિના સુખની વાતો કરી. પછી સૌને મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપીને બોલ્યા જે, 'આ વચન સત્ય માનજો. આજથી અમે તમારા જમાન છીએ. શાહુકારની હૂંડી હોય તે ફરે નહિ તેમ આ વચન માનજો.' પછી આ સ્વામીશ્રીના મહિમાની વાત કરી કહ્યું જે, 'તમે દેશમાં જતી વખતે પ્રથમ સ્વામીશ્રી પાસે જજો.'

આ વચન પ્રમાણે સંતો સ્વામીશ્રી પાસે ગયા ત્યારે સ્વામીશ્રીને કહ્યું જે, 'બાપાશ્રીએ અમોને તમારી પાસે મોકલ્યા છે અને કહ્યું છે કે સુખિયા કરજો.' ત્યારે પોતે બોલ્યા કે, 'બાપાશ્રીએ તો ત્યાં જજો એટલું જ કહ્યું છે.' આથી સંતોએ જાણ્યું જે સ્વામીશ્રી તો દિવ્યભાવે ભેગા જ રહે છે અને બધું જાણે છે. પછી સંતોને સ્વામીશ્રીએ થોડા દિવસ પોતાની પાસે રાખી મૂર્તિના સુખની વાતો કરી રાજી કર્યા.

8. સ્વામીશ્રી સંતોએ સહિત નળકંઠાના ગામડામાં જતા હતા. ત્યાં રસ્તામાં કોઈ મુમુક્ષુને વર્તમાન ધરાવવાં હતાં, પણ પાસે પાણી નહિ હોવાથી પોતે કૃષ્ણકેશવદાસજી નામના સાધુને કહ્યું કે તુંબડીમાં ગરણું લીલું હોય તો તે નિચોવીને પાણી આપો તો વર્તમાન ધરાવીએ. એ સંત વિશ્વાસી હતા. તેથી તુંબડી ખભેથી ઉતારી જોયું તો આખી તુંબડી પાણીથી ભરેલી! પછી તે પાણી લઈ તેમને વર્તમાન ધરાવ્યાં અને પોતે પણ જળપાન કર્યું.

9. ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને સ્વામીશ્રીએ મૂર્તિમાં રસબસ રહેવાની વાતો કરી પણ સમજાણી નહિ. પછી તેઓ જ્યારે બાપાશ્રી પાસે દર્શને ગયા ત્યારે સ્વામીશ્રીએ જે વાત કરી હતી તે જ વાત કરી હાથમાં પાણી આપી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા કે તરત જ એ વાત સિદ્ધ થઈ ગઈ. તે વખતે પ્રથમ સ્વામીશ્રીએ જે વાત કરેલ તે અને બાપાશ્રીએ જે નક્કી કરાવ્યું તે એક થઈ ગયું. અને બાપાશ્રીની સાથે સ્વામીશ્રીનો પણ દિવ્યભાવ સમજાઈ ગયો. પછી તો સભામાં વાતો કરતા હોય તો ય એ જ વાત કરે કે, 'આપણને મહારાજે મૂર્તિમાં રાખ્યા છે.' આ બ્રહ્મચારીએ ભૂજમાં ઠાકોરજીની સેવા કરવા ઉપરાંત શ્રીજીમહારાજે કચ્છમાં કરેલ લીલા ચરિત્રનો ઉત્તમ સર્વોપરી સમજણના સારરૂપ 'પુરુષોત્તમ લીલામૃત સુખસાગર' નામનો ગ્રંથ લખ્યો છે. આમ મોટા મુક્તની કૃપાએ દિવ્ય ભાવ આવે છે.

૧૦. એક વખત મૂળી મંદિરમાં મેડા ઉપર સભામાં સ્વામીશ્રી મહારાજના મહિમાની વાતો કરતા હતા ત્યાં માલણિયાદવાળા ચતુરભાઈ તથા અખિયાણાના વિઠ્ઠલભાઈ આવ્યા. એ બેયને સ્વામી હેતે સહિત મળ્યા. પછી સભામાં ચતુરભાઈની પ્રશંસા કરી કહ્યું કે, ‘આમની સ્થિતિ બાપાશ્રીએ વખાણી છે.’ પછી વિઠ્ઠલભાઈને પાસે બોલાવી હાથમાં પાણી આપી મૂર્તિમાં રાખવાના આશીર્વાદ આપ્યા. એટલામાં તો તેમનું અંગ પલટાઈ ગયું ને મહારાજનાં દર્શન થવા લાગ્યાં. આવો મોટાનો પ્રતાપ છે.