વાર્તા : ૩૩
સુખ માત્રનું કારણ શ્રીજીમહારાજ છે. તે પોતાની દિવ્ય મૂર્તિમાં રહેલા અનંત મુક્તને અખંડ સુખ આપ્યા જ કરે છે અને એ મુક્ત સુખ લીધા જ કરે છે, ક્યારેય તૃપ્ત થતા નથી. એમ સુખને આપવું-લેવું એ જ સ્વામી-સેવકભાવ છે. એ સુખમાં ખરેખરા ઊતરીને સુખ લેવું. 'ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના.' તે ભવસાગર શું? તો સંકલ્પ-વિકલ્પ થાય એ જ. માટે મૂર્તિરૂપ થઈને મૂર્તિમાં જોડાઈ જાય તો તેનો પાર આવે; માટે એક મૂર્તિ જ રાખવી. વનમાં દવ લાગ્યો ત્યારે અનેક જીવજંતુઓ ઊગરવા આમ તેમ દોડવા લાગ્યાં, પણ એક શિયાળ તો ઊભે માર્ગે ભાગ્યું અને એમ બોલ્યું જે, 'કરોડ મત કડકડી, લાખ મત લડબડી; સો મત સડસડી, એકમત આપડી - તે ઊભા માર્ગે મેલ્યા તાપડી;' તે બચી ગયું. તેમ બીજી દોડાદોડ મૂકી મૂર્તિરૂપ એક મતમાં જોડાવું તો સર્વે વાત સંપૂર્ણ થઈ જાય. તે વિના પૂરું થાય નહિ. રાવણ જેવા બળિયા કોઈ નહિ તો પણ ઘણાં કામ રહી ગયાં. જેણે સર્વ દેવો વશ કર્યા હતા અને તે એનું કામ કરતા, પણ પૂરું થયું નહિ. એ રાવણ પુલસ્ત ઋષિનો દીકરો હતો. તેનું કુળ બ્રાહ્મણમાં ઊંચામાં ઊંચું કહેવાય, પણ ભગવાન સામો થયો ને સીતાજી પર કુદૃષ્ટિ કરી તો નીચો થઈ ગયો, અને છેવટે નાશ પામ્યો. માટે ભગવાનને ભેગા રાખવા અને કુરાજી થાય તેમ ન કરવું, નહિ તો સારું ન થાય અને કુળ પણ બદલી જાય. અને કપટ તથા માન આદિ દોષ છે તે જ અપરાધ કરાવે છે માટે ભગવાનના ભક્તને એવા દોષ ન રાખવા.
સાધુ તો ઘણાય હોય પણ મહારાજના સુખે સુખિયા હોય તે ખરા સાધુ. એવા સાધુ આ લોકમાં રસાસ્વાદ આદિમાં લેવાય નહિ, એમ કહી પુરાણી કેશવપ્રિયદાસજી તથા તેમના સાધુ શ્રીરંગદાસજી અને ભૂજના બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની વાત કરી કહ્યું જે એવા વૃત્તાંતવાળા જોતાં ન મળે. મહારાજના સંબંધે એવા થવાય. મૂર્તિ વિના બીજું તાન રહે તેને મોટપ ક્યાંથી વધે? જેમ બે મિત્ર જમતા હતા પણ વાતોના તાનમાં શું જમણ જમ્યા તેની ખબર ન રહિ. તેમ સત્સંગ કરીએ પણ બીજી વાતોમાં તાન જતું રહે તો બળ ન આવે. માટે આપણે બીજી વાતોનો ત્યાગ કરી મહારાજના સુખરૂપ જમણની જ વાતો કરવી તો જમ્યાનું સુખ આવે. તે કેવી રીતે વાતો કરવી? તો મહારાજની કેવી દયા છે! કેવાં સુખ આપે છે! મુક્ત કેમ સુખ લે છે! તેવી વાતો આપણા કામની છે અને સુખદાયી છે. માટે તેમ કરવાથી ભૂખ ભાગે અને ખરું સુખ થાય. ॥ ૩૩ ॥