વાર્તા : ૧૬૧

0:000:00

આપણે બીજા સામી દૃષ્ટિ ન રાખવી. નિશાન ચૂકવું નહિ ને મુકામ મૂકવું નહિ! નિશાન શું? તો મહારાજ. મુકામ શું તો મૂર્તિમાં રહેવું તે. આ વાતમાં એમ સમજવાનું કે દેખાવ મહારાજનો ને મુક્ત ભેળા રહે. જેને સમજતાં ન આવડે તે ગમે તેમ કહે. એ સુખે રહે ને જેમ સમજાય તેમ સમજે, કારણ કે મુક્ત કહે તો ય મહારાજ ભેગા છે અને મહારાજ કહે તો ય મુક્ત ભેગા છે, એમાં નોખું પડે તેમ નથી. મહારાજ તથા મોટાનો અભિપ્રાય એવો છે કે સભામાં મરજાદા રાખીને બોલવું, પણ એવા ઠેકાણે બોલવાની મરજાદા રહેતી ન હોય તેને આ વાત ક્યાંથી પમાય? કચેરીમાં બોલવા માટે વકીલ રાખે છે તેથી કોઈ મરજાદા વિના બોલી ન શકે. અહીં તો કેટલાક ન સમજનારા સભામાં આડુંઅવળું બોલે છે તે જોઈને મહારાજ અને મુક્ત હસે છે કે, જુઓને! મને ગોતવા કેવા દાખડા કરે છે! કોઈ ન સમજતા હોય તે વળી ધોખો કરે પણ મહારાજને તથા મોટાને સદાય દયા જ હોય. સુધન્વા ને અર્જુન બે ય લડતા હતા તેમાં ભગવાનપણું નક્કી કરવાની વાત હતી. તે જ્યારે સુધન્વાનું માથું ઊડી ગયું ત્યારે નિર્ણય થયો તેમ જ્યારે સભામાં અહંમમત્વથી પરસ્પર બોલવા જેવું થતું હોય ત્યારે મોટાને તો કાંઈ હોય જ નહિ, પણ તેમાં કેટલાયનાં રૂપ ઉઘાડાં થાય. એવા ટાણે સ્થિતિ ન ફરે ને બહાર ન નીકળી જવાય એ મહારાજની દયા. આપણે તો મહારાજ અને મુક્ત એટલામાં જ રહેવું. ॥ ૧૬૧ ॥