વાર્તા : ૧૫૪
એક વાર સભામાં હરિભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી! બધાયના મેલ કાઢી નાખજો. ત્યારે સ્વામી બોલ્યા જે, વિશલ્યકરણી ઔષધી પીએ એટલે મેલ નીકળે. એ વિશલ્યકરણી ઔષધી તે મહારાજની મૂર્તિ. બીજી ઔષધીથી મેલ ન નીકળે. મેલ તે શું? તો દેહભાવ. માટે દેહભાવવાળાને એ મેલ કાઢી નાખવા મૂર્તિનું મનન કરવું. મહારાજ સત્ય સંકલ્પ છે માટે જે કરે તે થાય. ગામ સુવેરના મહારાજા જગતસંગ હતા; તે શ્રીજીમહારાજનું ધ્યાન બહુ કરતા. તેમનો દેહ રહ્યો ત્યાં સુધી કોઈ દિવસ ગળ્યું-ચીકણું ખાધું નહોતું એવા એ પૂર્વના સંસ્કારી ત્યાગી જેવા હતા. તે ચરણરજથી બહુ કામ કરતા, જેને કાંઈક દુઃખ થાય તેને માથે એ ચરણરજ 'સ્વામિનારાયણ સ્વામિનારાયણ' કહી ભભરાવતા કે દુઃખ તુરત મટી જતું. એ સત્તા એની ન હતી, એ તો મહારાજની હતી. મહારાજની મૂર્તિ સૌને મળી છે તે ચિંતામણિની પેઠે જેવું ચિંતવે તેવું આપે છે. તેમાંથી આપણે મૂર્તિનું સુખ લેવું છે. માટે એમ જાણવું જે એ મૂર્તિ મળી એટલે બધું ય સુખ આવી ગયું. વૈકુંઠ, ગોલોક કે અક્ષરધામમાં ગયા એમ કહે છે પણ આપણે ધામનું નહિ, આપણે તો ધામના ધણીનું કામ માટે ધામ દેખવાની ઇચ્છા રહે તેની પણ ના પાડી છે, જો ભગવાનને ઇચ્છા હોય તો ભલે દેખાડે. ધ્યાન ભજનમાં અખંડ રહે તેને આવી વાતની ખબર પડે, કેમ કે ધ્યાનમાં કાંઈ વિઘ્ન કરે તેને માયા કહી. તે ધ્યાન કરતા હોય તે જાણે કે માયા આ રૂપે નડવા આવી. મહારાજે પ્રથમથી જ આ લોકમાંથી વૃત્તિ ઉખાડી આપણને એમ કરવા શિખવ્યું માટે બધેથી હેત તોડી ભગવાન અને મુક્તમાં હેત કરે તો દેહભાવ ટળે ને દુઃખ જાય. જેમ આપણે સત્સંગી થયા એટલે ગાંજા, ભાંગ આદિનાં વ્યસન મૂક્યાં તો એનાં દુઃખ પણ મુકાણાં, અને સત્સંગનું સુખ પણ આવ્યું. પછી આપણે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, અક્ષરધામ, એકાંતિક, પરમ એકાંતિક, અનાદિ એ બધી વાતો જાણી તો તેટલા સુખિયા થયા. એ રીતે જેમ જેમ મહારાજ અને મોટાનો સંબંધ રાખે તેમ તેમ સુખ આવતું જાય. જેમ શિવજી હોય ત્યાં કૈલાસ કહેવાય તેમ વૈકુંઠ, ગૌલોક, અક્ષરધામ આદિક એના ધણી હોય ત્યાં બધું ય ભેળું જ હોય. માટે આપણે જ્યાં મહારાજ, ત્યાં અક્ષરધામ અને અનંત કોટી મુક્ત જાણવા. અને દેહની દૃષ્ટિએ જોઈએ તો ય ખબર પડે. જેમ નેત્ર ઇંદ્રિયના દેવ સૂર્ય અને તેના દેવ કોણ? તો પરમાત્મા. એ હોય ત્યારે ક્રિયા સિદ્ધ થાય છે, તેમ દરેક ઇંદ્રિયનું જાણવું. એ જ રીતે દરેક બ્રહ્માંડનાં કારખાનાં ભગવાન વિના સિદ્ધ થતાં જ નથી, પણ જીવને જ્ઞાન વિના ખબર પડતી નથી. તે ઘણા કાળ થયા અને જ્યાં ત્યાં જન્મ ધર્યા તે એટલા બધા કે સમુદ્રના પાણી જેટલું દૂધ ધાવ્યાનું મહારાજે લખ્યું, એટલો કાળ વિત્યો તો ય જ્ઞાન વિના સુખ ન આવ્યું. માટે મહારાજ અને મોટા મુક્તના જોગે સુખિયા થઈ જવું, કેમ કે આવો જોગ આવવો બહુ દુર્લભ છે. ॥ ૧૫૪ ॥