વાર્તા : ૮૮
ઘરમાં પેઠા પછી જેમ બહારનું કાંઈ કરવાનું રહેતું નથી, તેમ મૂર્તિમાં રહ્યો તેને બહારનો વ્યવહાર કરવો પડે નહિ, કેમ કે તેની સર્વ ક્રિયા મહારાજ કરે છે. તેનો ખટકો મહારાજને છે. દેહધારીને તો પોતાપણું મટતું નથી તેથી તે એમ જાણે જે હું આમ કરી લઉં. એ તો અમથો ભાર ભરે છે પણ તેનાથી કાંઈએ થવાનું નહિ. એ કરતાં જો મહારાજનું કર્તાપણું મનાય તો પૂરું થાય. જેમ ઝાડને પાણીનો જોગ થાય એટલે પાધરા કોંટા ફૂટે છે, તે જ્યાં સુધી પોતાપણું માને છે ત્યાં સુધી જન્મમરણ ટળતું જ નથી અને હું આમ કરું છું, મેં આમ કર્યું, એમ રહે છે તે જ અજ્ઞાન છે પણ તેની જીવને ખબર પડતી નથી તેથી એમ કર્યા કરે છે. માટે સમાગમ કરીને એવી અણસમજણનો ત્યાગ કરી દેવો. ॥ ૮૮ ॥