વાર્તા : ૧૫૧

0:000:00

મહારાજની મૂર્તિમાં રસબસ રહેનારા મુક્ત તો મહારાજને સજાતિ છે, તેમની 'કૈવલ્ય' અથવા 'અનાદિ' એવી સંજ્ઞા છે. વિદેહી તે પરમ એકાંતિક અને જીવનમુક્ત તે સાધનદશાવાળા એકાંતિક જાણવા. હવે આપણે તપાસ કરવો કે આપણે શેનો ઠરાવ કર્યો છે, અનાદિનો કે પરમ એકાંતિકનો? મહારાજના અનાદિમુક્ત તો સદાય સુખભોક્તાપણે મૂર્તિમાં રસબસ રહ્યા છે અને દેખાય છે તે તો મહારાજના સંકલ્પ. સચ્ચિદાનંદ સ્વામી જ્યાં હતા ત્યાં ને ત્યાં હતા પણ સંકલ્પ સ્વરૂપે કામ કર્યું, તેમ મહારાજના સંકલ્પ અહિ દર્શન દઈને સમજાવે જે આવા મુક્ત દ્વારે મહારાજ સુખ આપે છે ત્યારે આવાં સુખ ભોગવાય છે, એ સુખ અપાર છે, એમ કહીને મહારાજનો મહિમા સમજાવે એટલે ઝટ કામ થઈ જાય. નહિતર ઘણે કાળે આ કામ થાય નહિ. આગળ જુઓને! લાખ લાખ વર્ષની આવરદાવાળા તથા તપ વ્રત કે ધર્માદિક સાધનવાળા સૌભરી, ચ્યવન, ઉદ્દાલક એવા એવાના દાખડા પાર વિનાના. લાખો વરસ જીવતા તો ય આ ઘડીમાં મરવું છે એવું માની સાધન કર્યા કરતા તેની વાતો સાંભળી છે, પણ કોઈનાં આવાં કામ થયાં નથી. લોમેશ ઋષિ તો ઇંદ્ર નાશ પામે ત્યારે નાહવાની આળસે છાતીનો એક મોવાળો તોડી નાખે; એમ કરતાં છાતી મોવાળા વિનાની થવા આવી ત્યારે એટલો કાળ વીત્યો; ત્યારે તેને કેવો ખપ હશે? તો પણ મહારાજના જોગમાં જે જે આવ્યા તેનાં કામ થયાં, માટે મહિમા જાણી પોતાનું પૂરું કરી લેવું. ॥ ૧૫૧ ॥