વાર્તા : ૮૩

0:000:00

મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં પોતાના ભગવાનપણાની વાત કરી પરમહંસના સમ ખાધા છે, તે સમ એટલે શું? તો લોકમાં કેટલાક પોતાના દીકરાના સમ ખાય છે અને કહે છે કે જો હું જૂઠ્ઠું બોલતો હોઉં તો મારો દીકરો માર્યાનું પાપ. એમ મહારાજે પાંચસે પરમહંસના સમ ખાધા છે તે શા માટે? તો પોતાનું ભગવાનપણું સમજાવવા તથા અનાદિમુક્તનો મહિમા સમજાવવા. એવા મુક્ત સદાય મૂર્તિ ભેળા છે, છે ને છે જ. તેથી આવી વાત જીવને સમજાવવાનો મહારાજનો આગ્રહ છે. માટે આપણે પણ એવી રહસ્ય વાત સમજવાની તાણ રાખવી. એવામાં સભામાં દેવરાજભાઈ આવ્યા એટલે સ્વામી બોલ્યા, 'કેમ દેવરાજભાઈ! તમે એકલા આવ્યા કે સભાએ સહિત આવ્યા?' ત્યારે દેવરાજભાઈ કહે, 'મહારાજ ભેળા અનંતકોટી મુક્ત છે, તેથી સાજી સભા ભેગી આવી.' પછી બાપાશ્રીના પુત્ર કાનજીભાઈને સ્વામીએ પૂછ્યું જે, મુક્ત અને મહારાજ ભેળા છે તેમાં મહારાજ દેખાય છે કે મુક્ત? ત્યારે કાનજીભાઈ બોલ્યા જે, મહારાજ દેખાય છે. પછી સ્વામીએ કહ્યું જે, તમે ચાંદલો કરો છો તે મહારાજને થાય છે કે મુક્તને? પછી કાનજીભાઈ બોલ્યા જે, મહારાજને, અને ભેગા મુક્તને પણ થાય છે. પછી સ્વામીએ રાજી થઈને કહ્યું જે, જેણે બાપાશ્રીને સેવ્યા હોય તેનામાં શાની ભૂલ હોય!

સત્સંગમાં કેટલાક કહે છે કે અમને સુખ નથી આવતું તેનું શું કારણ? તો એ સત્સંગ કરે છે પણ વૃત્તિ અધરપધર રાખે છે, માટે જ્યાં સુધી વૃત્તિ સ્થિર થાય નહિ ત્યાં સુધી સુખ આવે નહિ અને વૃત્તિ જ્યાં ત્યાં ફર્યા કરે; એ તો વાંદરાના સ્વભાવ જેવું છે માટે એવા સ્વભાવ ટાળવા સારુ પોતાને પુરુષપ્રયત્ન કરવો જોઈએ અને મોટા પુરુષને વિષે હેત તથા વિશ્વાસ પણ રાખવો જોઈએ. ॥ ૮૩ ॥