વાર્તા : ૧૬૫

0:000:00

મહારાજ કહે અમારી ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયરૂપ લીલા વિચારે તો મહિમા સમજાય. એમાં તો એ સમજવાનું છે જે કર્તા એક મહારાજ જ છે. એ વિના બીજો કોઈ કરનાર નથી. ઇયળમાંથી ભમરી થઈ તે કાંઈ ભમરી નથી કરતી પણ કરનાર કરે છે. એક વાર વાયુ, અગ્નિ, વરુણ આદિ દેવને મહારાજે કહ્યું જે, તમારું કામ શું? તો કહે ઉડાડીએ, બાળીએ, પલાળીએ, આમ કરીએ, તેમ કરીએ. પછી આજ્ઞા કરી; પણ આકડાના તુરને ઉડાડવા તથા બાળવા, પલાળવાનું ય કોઈ કરી ન શક્યા તેથી સભામાં ભોંઠા પડ્યા. તો ય ફરી વાર મહારાજ કહે, તમે તેમ કરી શકતા હો તો કરો. એવા વચનથી તો એમને વધુ માન ભરાણું તેથી કહે અમે આ સેવા નહિ કરીએ પણ પછી ખબર પડી કે મહારાજે અમારી ભૂલ ઓળખાવી છે ત્યારે નિર્માની થયા. આ રીતે મહારાજ પાસે બીજા કોઈ પોતાનું ધાર્યું કરી શકે જ નહિ. આવી સમજણ આવે તેને ઘાટ સંકલ્પ ટળી જાય ને મહિમા સમજાય. ભગવાનને રાત્રિ-દિવસ નહિ, મારું તારું નહિ, સુખ દુઃખ નહિ, ક્યાંય ન હોય તેમ નહિ. તેમ જ એમના મુક્ત પણ સર્વત્ર એ મૂર્તિને ભાળે. મહારાજ કર્તા અને મુક્ત અકર્તા એમ સમજાય ત્યારે સ્વામી-સેવકભાવ સિદ્ધ થાય. મહારાજ દાદાખાચરના દરબારમાં ઘણું રહ્યા તેનું કારણ તેમણે સર્વસ્વ અર્પણ કરી પોતાપણું ટાળી નાખ્યું હતું માટે રહ્યા. વળી અમરો ખાચર તો મંદિરમાં આવે ત્યારે આળોટતા આળોટતા આવીને શ્રી ઠાકોરજીનાં દર્શન કરે. એક વખત અમે સભામાં બેઠા હતા ને એવી રીતે આળોટતા આવ્યા. એ કેવો મહિમા! કેવું દાસપણું! નહિ તો રાજાથી એવું ન બને. પણ આમને તો પોતાપણું જ નહિ. મહિમા સમજ્યા હોય તેને મહારાજથી કાંઈ અધિક ન મનાય, નહિ તો વાંસે છોકરાના ઉચાટ કરે જે એ કેમ કરશે? તે ઉપર વાત કરી જે માધવજીએ તેના બાપને કહ્યું જે બાપા! તમે હાથ ઠારજો એટલે સત્સંગમાં જે સેવા કરવી હોય તે કરજો પણ અમારા ઉચાટ કરશો નહિ. આવા ભક્ત દેહરૂપ જણાતા હોય તો ય દેહરૂપ નહિ, નહિ તો બીજા પણ એમની સાથે રહેતા હતા પણ એના ઠરાવ એવા નહિ. આવી વાતો જે દેહ ટાળે તેને કામ આવે એવી છે. દેહભાવમાં દુઃખ ઘણું છે તો ય સુખ મનાણું છે. કદાચ કોઈને દેહને સુખ હોય તો ય એ સુખ નહિ. એ તો દુઃખ કરતાં પણ વધારે દુઃખ, કેમ કે સુખમાં ભગવાન બહુ ન સાંભરે. એના કરતાં દુઃખમાં વધારે સાંભરે. આ લોકના વ્યવહારમાં પણ ભગવાનને મુખ્ય રાખે તો કામ સારું થાય. કેમ કે અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન એકસરખું અદલ પ્રમાણે કામ કરે છે માટે આપણે જો એને મુખ્ય રાખીએ તો બધો ય વ્યવહાર સરખો ચાલે એ વાત નક્કી છે. સમજણ હોય નહિ તે શંકા કરે કે એમ કેમ થાય? પણ જુઓને! પ્રહ્લાદે ભગવાનને માથે વ્યવહાર નાખ્યો તો ભગવાને છેવટ સુધી એમની સહાય કરી. જ્યારે પ્રસન્ન થઈ માગવાનું કહ્યું ત્યારે પ્રાર્થના કરી કે મહારાજ કોઈને માગવાનું ન કહેશો કેમ કે જીવને માગતાં આવડે નહિ તેથી દુઃખ માગશે; માટે તમારે આપવું હોય તે આપવું પણ માગવાનું ન કહેવું એવી પ્રાર્થના કરી તેમ જ કોઈની એવી પરીક્ષા લેવાની પણ ના પાડી. રંતિદેવને પચાસ દિવસે અન્ન મળ્યું પણ ધીરજ ન મૂકી. આવું સમજવા ધીરજ આખ્યાન વાંચવું, ને વચન પાળવા વચનવિધિ વાંચવી. તેમ જ મહારાજને સંભારવા હરિસ્મૃતિ અને પ્રકાશ થાવા હૃદયપ્રકાશ, મન જીતવા મનગંજન, એ સર્વે ગ્રંથ વાંચીને ઉત્તર કરતાં ન શીખવું પણ અર્થ કરતા રહેવું એટલે કેવળ બોલી દેખાડવું નહિ પણ પાળવું તો કામ થાય. 'બીન વિચારનો બોલતો, જ્યું ભેરીકો નાદ' માટે જે જે બોલવું તે વિચારીને જ બોલવું. ભગવાન પોતે જ પોતાનો મહિમા સમજાવે છે, એ માટે વચનામૃતમાં પહેલી મૂર્તિ અને સભાધ્યાન છે અને મંગળાચરણ કર્યું તેમાં જ મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની ભલામણ કરી પછી બધા વિવેક શીખવ્યા છે અને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ, ઉપાસના આદિકની વાતો પોતે શ્રીમુખે કરી છે. આ રીતે મહારાજ આપણને પાસે બેસાડીને વાતો કરે તો ય પ્રત્યક્ષ છે ને વાતો ન કરે તો ય એમના એમ છે, કેમ જે અખંડ છે. વળી અસલ અને નકલમાં ફેર છે, તેમ સિદ્ધ અને સાધકમાં ફેર છે. ઝવેરીની પેઠે નંગ ઓળખનારનું જેવું ગજું. વચનામૃતમાં મહારાજે ચમત્કારી વાતો બહુ કરી છે પણ જેવા પાત્ર તેવું સમજાય. આપણે કરોડ કામ મૂકીને આ કામ કરવાનું છે તે આજ મહારાજના પ્રતાપે સહેજે થાય છે. આવી પ્રાપ્તિ થઈ છે, વાતો સમજાય છે, તો ય આળસ પ્રમાદ ને ગાફલાઈથી જન્મ ધરવો પડે તો આત્મહત્યા કરી કહેવાય. સમય બહુ ભારે આવ્યો છે તેમ આવા જોગમાં કાંઈ કાચપ રહે એવું નથી પણ ખટકો રાખવો તે પોતાને કરવાનું છે. માટે આળસ પ્રમાદ ટાળી નાખી ખરા ખબડદાર થઈ રહેવું. ॥ ૧૬૫ ॥