વાર્તા : ૧૫૬

0:000:00

સભામાં સંતો પરસ્પર વાતો કરતા હતા ત્યારે સ્વામી કહે આપણે એક શબ્દ રાખવો; મહારાજ અને મુક્ત. જેમ સૂર્યના તેજમાં અંધારું ન પેસે તેમ મહારાજ અને મુક્ત પાસે બીજું પેસે જ નહિ. આ વાત મહારાજ અને મુક્ત બે જ જાણે. બીજા તો 'દેહદર્શી દેખે પોતા જેવા સંસારી'. આ વિના બીજું બધું ય ભૂલવાનું. ‘पुण्यपापे विध्रूय’ - પુણ્ય અને પાપની સ્મૃતિ જ કાઢી નાખવી. મૂર્તિ વિના બીજું કાંઈ સંભારવું જ નહિ. 'આ કર્યું છે', 'આ કર્યું છે', 'આ કરવું છે' એવું સંભારે તો ય મૂર્તિ ભુલાય. આટલું દાન-પુણ્ય કર્યું, આટલી સેવા પૂજા કરી તે સંભારે તો ય ભગવાન ભુલાવે. નિર્વિકલ્પ થયો તેને તો મૂર્તિનું સુખ જ લેવું. કર્તા મહારાજ છે ત્યારે મહારાજ ઉપદેશ કોના માટે કરે છે? તો નથી સમજ્યા તેને શીખવવા માટે. મુક્ત તો મૂર્તિમાં જ છે અને બીજાને મૂર્તિમાં રાખવા પોતે મહારાજ વાતો કરે છે. તેમ જ એ મુક્ત દ્વારે બીજાને મૂર્તિમાં લાવવામાં કર્તાપણું પણ મહારાજનું જ છે. આવી અખંડ સ્મૃતિ હાલતાં ચાલતાં, ખાતાં પીતાં રાખવી. ઉપદેશ એ વસ્તુ જુદી છે એનું કારણ મહારાજ ઉપદેશ દેહધારીને કરે છે, પણ એ દેહધારી, મહારાજ ઉપદેશ કરે છે એમ જાણે ત્યારે તેને મૂર્તિમાં રાખે. પછી તો એ ઉપદેશ સાંભળનાર પણ એમ જાણે જે મને ઉપદેશ કરતા હતા તે મહારાજ જ હતા. આ રીતે મહારાજ અનેક પ્રકારે મુક્ત કરે છે, કેમ કે મૂળ કર્તા પોતે છે.

શ્રીજીમહારાજે મનુષ્યરૂપે દર્શન આપ્યા પછી બોધ કર્યો જે આ ભગવાન તેજને મધ્યે છે. રોમ રોમને વિષે કોટી કોટી સૂર્યનો પ્રકાશે છે ત્યારે શું પહેલાં પ્રકાશ નહિ હોય? હોય જ. પણ પોતે વાત કરીને સમજાવ્યું ત્યારે આપણે સમજ્યા. અનંતકોટી મુક્તના પતિ મહારાજ, જેને કોઈની ઉપમા દેવાય નહિ તેવા ભગવાને આ લોકમાં મનુષ્યરૂપે દર્શન આપ્યાં અને કોઈના ભાઈ, પુત્ર, કાકા, મામા એમ થઈ અનેકને જેમ ઘટે તેમ સુખિયા કર્યા. પોતે ઉપદેશને અર્થે તપવ્રતાદિ કરીને પોતાના ભક્તોને ભગવાન પામવાની રીત બતાવી. પોતે તો ઐશ્વર્યને ઢાંકવા ઉપર જ તાન રાખતા ને વળી ભગવાનપણું પણ સમજાવી દેતા. નહિ તો ઇંદ્રિયો અંતઃકરણ માયિક છે તેણે અમાયિક ભગવાન કેમ પમાય! પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ, અક્ષર એ અનેકના કારણ અને આધાર એ દૃષ્ટિએ એક જ પુરુષોત્તમ ભગવાન. તેના જેવા બીજા કોઈ નહિ. તો પણ તેમની જીવો પર દયા બહુ. જેમ કોઈ મોટો રાજા હોય તે સાધારણ મનુષ્યની રીતે વર્તે, તેમ મહારાજે મનુષ્યરૂપ ધારણ કરી જીવોને મનુષ્ય ભાવ ટાળી દિવ્ય ભાવ સમજાવ્યો. તે તો કાંટે કરીને કાંટો કાઢ્યો. મહારાજનું કામ જ એ. બીજાં બ્રહ્માંડરૂપ કારખાના ચલાવવાવાળા તો ઘણા ય છે એ કામ તો તેમની પાસે કરાવે અને ખજીનાને ઠેકાણે પોતાનું સુખ ને એની કૂંચી રાખનારા એ એક જ. એ તો પોતે જ સુખ આપે. એ કામ બીજા કોઈનું નહિ. મોટા મોટાએ પણ આપણા ભેળા મળી જઈને આપણને એ જ શીખવ્યું છે. એ અહીં હોય તો પણ એ જ્યાં છે ત્યાં ને ત્યાં જ છે. સભામાં અનેક પ્રકારના મનુષ્ય હોય તેને સમજાવવા મનુષ્યના જેવી રીતે બોલે, પણ એ તો એના એ ઠેકાણે જ હોય. તેમાં એકદેશી જ્ઞાનવાળાને એવા કોઈ વચને કોઈક વખતે મોટાનો અવગુણ આવી જાય પણ સર્વદેશી જ્ઞાનવાળાને એમ ન થાય. એનો તો મહિમા વધતો જાય, કેમ કે એ તો મહારાજ ને મુક્તનો વિનોદ જાણે, તેથી એને તો બધું યે દિવ્ય લાગે. આવી વાત દિવ્યભાવવાળાને તુરત સમજાઈ જાય. જાણ્યા વિના બધાયને વિષે સરખો ભાવ રાખે તેને દિવ્યભાવ સમજવો રહી જાય. ભગવાનને તો મારું તારું નથી. એ ધારે તો સહેજમાં સુખિયા કરી મૂકે. ॥ ૧૫૬ ॥