વાર્તા : ૫૦

0:000:00

મહારાજનો મહિમા જાણી સેવા કરતાં તથા મહિમાની વાતો કરતાં કાંઈ ઉપાધિ થાય તો પણ તે નિમિત્તની સારી; કારણ કે એમાં મૂર્તિ બહુ જ સાંભરે. તે વિષે વાત કરી જે બાપાશ્રી છપૈયે જન્મસ્થાનમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવા નિમિત્તે આવવાના હતા તે વખતે અમો બાપાશ્રીને તેડવા સારુ કચ્છમાં ગયા હતા. કેમ કે આગળથી હરિભક્તોને મોકલેલ કંકોત્રીઓમાં 'અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી છપૈયે શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા પ્રસંગે પધારવાના છે,' એવું લખાવેલ હતું. તેથી ત્યાં જઈ પ્રાર્થના કરતાં બાપાશ્રી અમારી સાથે અમદાવાદ પધાર્યા, ત્યાંથી છપૈયે જવાનું નક્કી કર્યું. એ વખતે અમદાવાદમાં સહેજ ઉપાધિ થઈ; તે એટલી કે બાપાશ્રી છપૈયે મૂર્તિ પધરાવવા પ્રસંગે ન જાય. એ વાત જ્યારે બાપાશ્રીના જાણવામાં આવી ત્યારે ધનજીભાઈ આગળથી સિદ્ધપુર ગયા હતા તેને તાર કરી પાછા આવવાનું જણાવ્યું. વળી પોતાની મેળાએ જ બીજો તાર કરાવ્યો કે અમારા બીજા ખબર મળે ત્યાં સુધી તમો ત્યાં ને ત્યાં જ રહેજો. પછી રાત્રે નક્કી કરી બીજે દિવસે સૌ છપૈયે જવા નીકળ્યા અને ધનજીભાઈને એ ખબર આપ્યા. આ વખતે છપૈયે જવા દેવામાં જે રાજી ન હતા તે પણ સાથે ચાલ્યા. તે સૌ સાથે અમો છપૈયે પહોંચ્યા. પછી શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા ધામધૂમથી થઈ રહી અને હજારો રૂપિયાની સેવા પણ થઈ ત્યારે એના એ કહેવા લાગ્યા જે, શ્રી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા પ્રસંગે બાપાશ્રી આવ્યા તે કામ બહુ સારું થયું, કેમ કે એમને લીધે બહુ મનુષ્ય આવ્યા, અને સમૈયો સારો થયો. અમો જાણતા નહોતા કે આવા સમર્થ છે. આ બધું સંભારીએ છીએ તે ભેળા શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ તથા સમૈયો સાંભરી આવે છે, માટે એવી ઉપાધિ તો મૂર્તિ સંભારી આપે. જો આવી વાતો પાનામાં લખી રાખી હોય તો પાનામાં જ પડી રહે. મોઢે કરો તો મોઢે રહે, પણ મૂર્તિ તો છેટી ને છેટી જ રહે. માટે મૂર્તિ ઢૂંકડી રહે તેમ કરવું. આ રીતે મોટાની મોટાઈ ટાણે જણાયા વિના ન રહે. ॥ ૫૦ ॥