વાર્તા : ૨૭
શ્રીજીમહારાજનો મહિમા જાણવાથી એ મૂર્તિનું અખંડ ચિંતવન થાય. ચાલોચાલ, એકાંતિક, પરમ એકાંતિક તથા અનાદિ એ સર્વે મૂર્તિના સંબંધે સુખિયા છે. તેમાં જેટલો જેને સંબંધ તેટલું તેને સુખ. પૃથ્વીથી લઈને અક્ષર પર્યંત એકબીજાના ઉપરી છે તે સર્વને શ્રીજીમહારાજના અન્વય સ્વરૂપનો સંબંધ છે, પણ વ્યતિરેક મૂર્તિનો સંબંધ નથી. વ્યતિરેક મૂર્તિનો સંબંધ તો મુક્તને જ છે. એવી રીતે શ્રીજીમહારાજના અન્વય અને વ્યતિરેક સ્વરૂપના સંબંધની રીત સમજી સમજણ દૃઢ કરવી.
શ્રીજીમહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિની પ્રાપ્તિ થયા વિના સુખ ન મળે. તે તો મોટા મુક્ત મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા સમાગમે રાજી કરે અને તે કહે તેમ કરે તો સાક્ષાત્ મૂર્તિનું સુખ મળે. મોટા સંત વાત કરતા કે લાખ કરોડ જન્મ ધરે પણ સમજણ દૃઢ કર્યા વિના અને મોટાનો અભિપ્રાય જાણ્યા વિના સુખ લેતાં ન આવડે. ॥ ૨૭ ॥