વાર્તા : ૫૬
ધર્મ-અધર્મના સર્ગની વાત નીકળી ત્યારે સ્વામી કહે કે ધર્મનો સર્ગ તો મહારાજમાંથી ચાલ્યો અને અધર્મનો સર્ગ માયામાંથી ચાલ્યો. તેથી મહારાજને ધર્મધુરંધર કહ્યા છે, માટે બીજે ક્યાંય સુખ નથી. મૂર્તિનું સુખ તો સમુદ્રના જળ જેવું અપાર છે અને બીજે તો સુખાભાસ કહેવાય. તે પણ ઝાંઝવાના જળ જેવું છે. વડનગરનો એક હરિભક્ત હતો, તેણે વડોદરાના રાજાનું કાંઈક કામ રાખ્યું; તેમાં વીશ હજાર રૂપિયા નફો મળ્યો. તે રૂપિયા તેણે બારોબાર કોઈને ત્યાં વ્યાજે મૂક્યા. પછી જેને ત્યાં રૂપિયા મૂક્યા હતા તે આસામી ખૂટ્યો, તેથી એક પાઈ પણ ન આપી; તેથી તેણે ફરિયાદ કરી. તેમાં વડોદરા અને વડનગર વચ્ચે આંટા ખાઈખાઈને કેટલુંક ઘરના પૈસાનું ખર્ચ કર્યું તો પણ કાંઈ વળ્યું નહિ. પછી થોડા દિવસ તો એ રૂપિયા માટે દુઃખ બહુ લાગ્યું પણ વિચારતાં વિચારતાં જ્ઞાન થયું ત્યારે મંદિરમાં સંતો પાસે આવીને કહેવા લાગ્યો કે હવે હું સુખી થયો; કેમ કે એ રૂપિયા ફક્ત નજરે જોયા હતા એટલામાં જ આટલું દુઃખ થયું તો એ મારા પાસે રહ્યા હોત તો કેટલું દુઃખ થાત? માટે સમજણ કામની છે. જ્ઞાને કરીને સુખી અને જ્ઞાન ન હોય તો દુઃખી. આ ટંટા બધા અજ્ઞાનના છે. એક ઉમેદો કરીને ખેડુ હતો. તેને કોઈક સાથે ટંટો થયો, પણ વિચારીને વાત પડતી મૂકી. તેને કોઈએ પૂછ્યું કે લડતા લડતા કેમ બંધ રહ્યા? ત્યારે તે કહે કે પહેલાં હું સમજ્યો નહોતો, પણ પછીથી સમજ્યો. તેમ ટંટા માત્ર સમજ્યા વિનાના છે. ॥ ૫૬ ॥