વાર્તા : ૧૩૫
મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ દેખાતું નથી. તમો પણ ત્યાં જ છો અને તે સ્વરૂપને તમે દેખો છો પણ સમજાતું નથી. એ વચન જોતાં સમજણની કસર છે. માટે જેમ છે તેમ સમજે તો જ મહારાજને દેખે છે. અજ્ઞાની તો આંધળા છે ને જ્ઞાની દેખતા છે. અજ્ઞાની ઘુવડ આદિ જેવા છે ને જ્ઞાની મનુષ્ય જેવા છે. તેથી અજ્ઞાનીને મહારાજ દેખાતા નથી ને જ્ઞાનીને દેખાય છે. જીવ અનાદિકાળનો માયાવેષ્ટિત છે પણ મહારાજને ઓળખે તો જુદો પડે. અભણ હોય તે વાંચી શકે નહિ ને ભણેલો હોય તેનાથી વંચાય. તે જો ભણવાનો આગ્રહ કરે તો ભણાય પણ આગ્રહ વિના કોઈ વાત સિદ્ધ ન થાય. તેમ આ સુખ પામવાનો ખપ જોઈએ તો જ પમાય. કુંદનમાં વગળ હોય ત્યાં સુધી નંગ ન બેસે. નંગ બેસાડવું હોય તો તેટલી જગ્યા ચોખ્ખી કરી પછી ચોડે તો જ ચોંટે. કુંદન છે પણ વગળ ભેગું કુટાય છે માટે સોનીરૂપી મોટા અનાદિમુક્તોનો સમાગમ કરે તો મૂર્તિરૂપી અગ્નિએ કરીને માયારૂપી વગળ બળી જાય. જો મૂર્તિનો અખંડ યોગ રાખે તો દેહરૂપ માયાનું વગળ ટળી જાય અને ચોખ્ખું કુંદન થાય, પછી મૂર્તિરૂપી નંગ ચોંટે. મૂર્તિ આવે એટલે બીજામાંથી વિખૂટા પડાય. મહારાજને પામવું છે તે પામ્યો, પણ વચમાં વગળ ન રહે તો ઠીક. જો વગળ ન હોય તો સંકલ્પ વિકલ્પ ન થાય ને મૂર્તિને સુખે સુખી થવાય. જેટલું વગળ તેટલો ઠરાવ બીજો, અને જેટલું બીજે હેત તેટલો માયામાં બંધાણો. પછી મહારાજને તો લાખો ગાઉનું છેટું થઈ જાય, માટે વિચાર કરવો કે શું કરવા આવ્યા છીએ ને શું થાય છે? 'અવતાર ધર્યો છે રે, કે તમને ભજવાને' એ કરવાનું છે, પણ વસ્તુ ફેંકી દીધી તેથી જીવ વિષયમાં હેરાન થાય છે અને અઠે દ્વારકા કરી બેઠો છે. તે ઉપર દૃષ્ટાંત દીધું કે ભરવાડનો સંઘ દ્વારકા જતો હતો તે અમદાવાદ આવ્યો. ત્યાં સારું સારું ખાવા-પીવાનું મળ્યું. પછી બીજા કહે ચાલો, દ્વારકા. તો તે કહે કે મારે તો અઠે દ્વારકા છે; તેમ ન કરવું. 'નિષ્કુળાનંદ નિશ્ચે કર્યું સુખ તો સદગુરુ પાસ' માટે મૂર્તિમાં નિમગ્ન સંત છે ત્યાં જ સુખ છે એમ જાણી ત્યાં રહી સુખ ભોગવવું તે જ ખરું સુખ જાણવું. ॥ ૧૩૫ ॥