વાર્તા : ૧૪૩

0:000:00

અનાદિમુક્તની સ્થિતિને કોણ સમજે? તો પ્રતિલોમપણે કરીને મહારાજની મૂર્તિમાં રસબસ રહેતા હોય તે સમજે. આમાં જે આશંકા કરે તેને દેહરૂપ જાણવા. જે દેહરૂપે વર્તે છે એની પરભાવમાં નજર પહોંચે નહિ માટે કોઈ દેહભાવવાળા આ વાતમાં શંકા કરે તે સાંભળીને ક્ષોભ ન પામવો. અને જાણવું જે આની નજર પહોંચી નથી માટે આશંકા કરે છે. જે મૂર્તિમાં રસબસ રહ્યા છે તે તો મૂર્તિના સુખમાં ગુલતાન રહે છે; તેને તો દેખાવ મહારાજનો એટલે કર્તા મહારાજ થયા. પોતે તો અકર્તા છે. માટે પુરુષોત્તમની મૂર્તિમાં રહ્યા તે તો પુરુષોત્તમના સુખે સુખિયા. તેને તો બોલવું, ચાલવું, ખાવું, પીવું બધું ય પુરુષોત્તમનું થયું. એમની ક્રિયા તો મુમુક્ષુનાં કલ્યાણ માટે છે, તેની દેહધારીને શી ખબર પડે? દેહધારી તો પોતાના જેવા જાણે. 'મુક્તાનંદ કહે હરિ હરિજનકી ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી' એવા મહારાજ તથા મોટા સંતનાં ઘણાં ય વચન છે, પણ કોઈ આશંકા કરતા હોય તે વખતે આવું વચન સંભારી આપીએ તો પણ સમજે નહિ, કેમ કે તે દેહરૂપે વર્તે છે. એ તો જ્યારે પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામીને મૂર્તિના સુખે સુખિયા થશે ત્યારે એને સમજાશે ને શંકા ટળી જશે. જ્યાં સુધી દેહરૂપ હોય ત્યાં સુધી વચનામૃતના અર્થ બધા દેહરૂપમાં જ સમજાય, અને પુરુષોત્તમના સાર્ધમ્યપણાને પામીને મહારાજના સુખે સુખિયા થાય, ત્યારે બધા શબ્દના અર્થ પુરુષોત્તમની મૂર્તિમાં પહોંચે. તે કેવી રીતે? તો વિવાહના ધોળ ગવાય ત્યારે રાજાના માણસ હોય તે રાજાને દેખાડવા ગાય, અને ગરીબ માણસ ધોળ ગાય તેમાં વચન તો બધાં રાજા જેવાં જ બોલે પણ નિશાન એના છોકરા ઉપર હોય એમ સૌ સૌના નિશાન ઉપર નજર હોય તે બોલવાથી ખબર પડે કે આ પુરુષોત્તમરૂપ છે અને આ દેહરૂપ છે. વચનામૃતમાં મહારાજે કેટલુંક તો સાધનદશાવાળાને સમજાવવા કહ્યું હશે, તો પણ અંતે મૂર્તિના સાર્ધમ્યપણાને પમાડવા માટે જ હશે; એમ સાધનદશાવાળા અને સિદ્ધદશાવાળાને સમજવામાં શબ્દ તો બરોબર હોય પણ સૌ સૌની સ્થિતિમાં સમજાય. આવી વાત તો મહારાજે જેને મૂર્તિમાં રાખ્યા હોય તે જ બરાબર સમજે. દેહાભિમાનીને તો આ વાતમાં નજર જ ન પહોંચે. ॥ ૧૪૩ ॥