વાર્તા : ૩૭

0:000:00

સ્વામી કહે બાપાશ્રીના જોગસમાગમથી આપણને લાભ બહુ જ મળ્યો, કૃપા પણ બહુ થઈ. હવે તો આપણે ભેગા થઈને કથા-વાર્તા કરી મૂર્તિનું મનન કરવું. કથા-વાર્તા બરાબર થઈ ક્યારે કહેવાય? તો પોતાના અંગની વાર્તા આવે તે શબ્દ સાંભળીને જ્યાં એ વસ્તુ હોય ત્યાં પહોંચી જવાય. જેમ લીમડાનું નામ લીધું એટલે વૃત્તિ લીમડે પહોંચી જાય ત્યારે જ નામ લીધું કહેવાય, તે રીતે આપણા અંગની વાત આવે એટલે તે શબ્દ સાંભળીને મૂર્તિમાં પહોંચી જવાય તો એ કથા-વાર્તા બરાબર કહેવાય. જુઓને! પરોક્ષમાં મંડળીઓવાળા ઘણી જ ધામધૂમ કરે છે પણ બધું ઉપર ઉપરનું; એણે કરીને કામ ન થાય. આપણામાં પણ કેટલાક ઉપર ઉપરની કથા-વાર્તા કરતા જણાય છે, પણ તેમાં શું આવે છે એનો વિચાર નહિ; માટે એમ ન કરવું. મૂર્તિનું અનુસંધાન બરાબર રાખવું તો કથા-વાર્તા કરી કહેવાય. અને મહારાજનો સદા સંબંધ રહે ત્યારે જ મુક્તની પંક્તિમાં ભળાય. એવા મુક્તને ક્યારેય મહારાજનો વિયોગ નથી. જેમ પૃથ્વીને આકાશનો કોઈ ઠેકાણે વિયોગ નથી તેમ મહારાજને અને મુક્તને અખંડ સંબંધ છે, ક્યારેય છેટાપણું નથી. ॥ ૩૭ ॥