વાર્તા : ૩૬

0:000:00

સ્વામીએ સભામાં વાત કરી જે, જેમ ભ્રમર પુષ્પમાંથી સુગંધ લીધા કરે તેમ પુષ્પરૂપ મૂર્તિમાંથી ભ્રમરરૂપી અનંતકોટી મુક્ત છે તે સુખરૂપ સુગંધ લીધા જ કરે છે. મહારાજની મૂર્તિમાં સુખનું વિભાગપણું નથી, કેમ કે મૂર્તિ એક જ છે તેમ જ સુખ અને જાણપણું પણ એક છે; પણ જ્યાં સુધી બીજે સારપ્ય રહેતી હોય ત્યાં સુધી વિભાગપણું જણાય છે. તે માટે મોટા મુક્તના જોગ સમાગમ અને રાજીપા વડે બીજેથી સુખની ભાવના ટાળી એક મૂર્તિના સુખની જ ભાવના કરવી, એટલે સંપૂર્ણ વિભાગ ટળી જાય અને જે કાંઈ સમજાવે તે સમજાવનારા મહારાજ જ છે, એવું અનુસંધાન રાખે તો યથાર્થ સમજાય. પણ હું સમજું છું એમ જાણે તો કાંઈ હાથ ન આવે.

મહારાજની મૂર્તિમાં અનહદ સુખ છે; તેજના અંબાર છે. અનંત કિરણો છૂટે છે. તેજ છે તે તો તેમનું તેમ જ છે પણ જોનારની દૃષ્ટિમાં કિરણના વિભાગ પડે છે તેને સમજાવવા માટે કિરણો કહેવાય છે. જેમ સૂર્યનું તેજ સર્વત્ર ભર્યું છે, પણ જોનારને કિરણો દેખાય છે, તે તો જ્યારે સૂર્યના જેવી દૃષ્ટિ થાય ત્યારે કિરણો મટી જાય; અને જો તેજ કે સુખ હાલે ચાલે તેવું હોય તો વધુ ઓછું થઈ જાય, પણ એમ નથી. એ તો જેની દૃષ્ટિ એવી નથી થઈ તેને મતે વધુ ઓછું જણાય છે, પણ સુખ ને તેજ તો મૂર્તિમાં છે તેમના તેમ જ છે. આવી દિવ્ય સુખની વાતો એ સ્થિતિમાં રહેવા માંડે તેને યથાર્થ સમજાય, અને ત્યારે જ સુખમાં ઊંડું ઉતરાય. ॥ ૩૬ ॥