વાર્તા : ૧૩૩

0:000:00

જ્ઞાન માર્ગે કરીને અહોનિશ મૂર્તિમાં જ જોડાઈ રહેવું તે શાશ્વત શાંતિ! મહારાજની મૂર્તિમાં રહેવું એટલે બોલનારા મહારાજ, જમનારા મહારાજ ને સેવા મહારાજને થાય; એવું અખંડ તાન રાખવું. એવો ગુણ આપણે પેસી જાય અને એમાં ચોંટી જવાય તો પછી કાંઈ બાકી રહે નહિ, પૂરું થઈ જાય. ત્યારે પુરાણી ધર્મકિશોરદાસજીએ કહ્યું જે, સ્વામી! કૃપા કરીને અમારા ઉપર અનુગ્રહ કરો તો પૂરું થાય. અમારે તો વાતોનું તાન રહે છે ખરું. વાતો તો કરવી પડે છે. પછી સ્વામી બોલ્યા કે અનુગ્રહ તો છે જ. વાતો તો કરવી પડે પણ એમાં ગુણ માની મૂર્તિના સુખથી પાછું વળાય એવું ન કરવું. આ તો ભક્તિમાર્ગ છે, અને જ્ઞાનમાર્ગ તે શું? તો મહારાજે મને મૂર્તિમાં રાખ્યો છે એમ ઘેડ્ય બેઠી તે જ્ઞાનમાર્ગ. એ પ્રકારે સદાય મૂર્તિમાં નિમગ્ન રહેવાય એ જ્ઞાનમાર્ગનું ફળ છે. એ તો નેવાનું પાણી મોભે ચડ્યું કહેવાય. અનેક પ્રકારના જ્ઞાનોપદેશાદિક મહારાજ કરે છે. તેનું જેટલું અનુસંધાન રહે તેટલી સાધનદશા કહેવાય અને ત્યાં સુધી ભક્તિમાર્ગ કહેવાય. એ ભક્તિમાર્ગનું અનુસંધાન ન રહે અને મૂર્તિમાં જ નિમગ્ન રહેવાય તે સિદ્ધદશા જાણવી અને તે ભક્તિજ્ઞાનાદિકની ફળરૂપ પ્રાપ્તિ કહેવાય. મૂર્તિમાં રહ્યા જે સુખભોક્તા મુક્ત તેને મહારાજ કરે છે એવું અનુસંધાન રહે તો પણ જ્ઞાનનું ફળ જે મહારાજની મૂર્તિમાં સદાય નિમગ્ન રહેવું તે રૂપી ફળમાં ન્યૂનતા ગણાય, કેમ કે મહારાજ કરે છે એવો ભાવ રહે તે પણ વિકલ્પ કહેવાય. માટે નિર્વિકલ્પ થઈને મૂર્તિના સુખમાં લુબ્ધ થઈ જવું. ॥ ૧૩૩ ॥