વાર્તા : ૧૬૬
બાપાશ્રી કહેતા કે ખોટાને તો ખોટું સૌ કહે, પણ જે સાચાને પણ પડ્યું મૂકે તો ખરો. તે કેવી રીતે? તો મહારાજનું ધામ સાચું, મુક્ત સાચા પણ મૂર્તિમાં રહેનારને મૂર્તિ વિના કોઈ નહિ એવી રીતે સમજવું; છતાં કેટલાક જુઠાંને સાચું કરી બેઠા છે પણ મહારાજ વિના બીજી વસ્તુ સાચી નથી, માટે મહારાજની મૂર્તિમાં રહ્યો તેને એક મહારાજ જ છે. એની પૂરી ખબર પડે પછી તેને અનાદિ, પરમ એકાંતિક, ધામ એ બધું ય ન હોય તેમ નહિ. પણ તેને એનો સંકલ્પ ન રહે. મૂર્તિવાળાને દિવ્ય દૃષ્ટિ છે તેથી સર્વત્ર મૂર્તિ દેખાય. સર્વત્ર ગતિ કરાય. પછી શું આડું આવે? તેને તો એક ભગવાનના સુખ સાથે જ અનુસંધાન રહે. આમ જે મહારાજની મૂર્તિને સુખે સુખિયા થયા હોય તેને એ રીતે જાણપણું સહેજે રહે, કાંઈ કઠણ ન પડે. બહેચરભાઈના પિતા શંકરભાઈને સ્વામીએ કહ્યું કે રાજા પોતાનાં ગામડાં નિત્ય ગણે નહિ અને નગરશેઠિયા પોતાનું નાણું હંમેશાં ગણે નહિ, કેમ કે એ તો છે જ એમ જાણે. તેમ મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી મુક્તને કાંઈ સંકલ્પ જ નહિ. મૂર્તિમાં રહ્યા એ તો નિરુત્થાન હોય તેને તો બીજા મુક્ત સુખ લે છે? કે માંહી રહ્યા છે? એવું કંઈ પણ અનુસંધાન રહેતું નથી. જોકે એ તો જેટલું મહારાજ જાણે ને દેખે છે એટલું જાણે ને દેખે છે પણ એ તો સુખમાં જ લુબ્ધ રહે છે એટલે મૂર્તિ વિના બીજું કાંઈ જોતા જ નથી. હું તો અનાદિ કાળથી મૂર્તિમાં જ છું, છું ને છું જ; એમ રહે છે. ॥ ૧૬૬ ॥