વાર્તા : ૬૯
મહારાજની મૂર્તિનો સંબંધ ન થયો હોય ત્યાં સુધી કોઈ મહિમાની વાત કરે તો મનમાં એમ થયા કરે જે આમ તે કાંઈ હોય? કોઈ કહે, સમજાવે તો ય ન મનાય, કેમ કે જીવ એવા ઠરાવ કરી બેસે છે કે વનમાં જઈ તપ કરીને સૂકાઈ જઈએ ત્યારે ભગવાન મળે, પણ વિચારતો નથી જે એમ કર્યે શું થાય? એ તો નજર પુગ્યા વિના એવું સમજે છે. જેમ અભણ હોય તે એમ કહે કે આ કાગળ સામું જોઈને શું ય બોલે છે! પણ ભણેલો હોય તે એમ ન કહે. એ તો એમ સમજે કે આ અભણ છે તેથી અજ્ઞાને કરીને સમજ્યા વિના અવળું-સવળું બોલે છે. આમ તેના બોલનો ભણેલાને ધોખો થાય નહિ. તે ઉપર વાત કરી કે જૂનાગઢના મંદિરમાં એક ભરવાડ ગયો હતો ત્યારે મંદિરમાં દૂધપાકની રસોઈ હતી, તે દૂધપાક પીરસાતો જોઈ ભરવાડે જમવાની ના પાડી ને કહ્યું જે એ દૂધનો ઘૂંટો મને નહિ ભાવે, મને તો ઘેંસ ને દૂધ હોય તો ભાવે. પણ સંતોના આગ્રહથી એ ઘૂંટો ચાખ્યો ત્યારે સારો લાગ્યો; પછી એ સારી રીતે જમ્યો. તેમ વાત સમજાય એટલે શંકા મટી જાય. જેમ ભરવાડે પ્રથમ ના કહી પછી ઘૂંટો જમ્યો, તેમ જે મૂર્તિરૂપી ઘૂંટો એક વાર જમ્યો તેને બીજું ન ભાવે. આ લોકમાં ગળ્યા ઘૂંટાના તો પૈસા બેસે છે તેમ આમાં નથી. મૂર્તિરૂપી ઘૂંટો તો જેને લેવો હોય તેને મળે છે. તેથી મોટા મુક્ત કહે છે કે, 'કોઈ લ્યો! કોઈ લ્યો!' માટે મૂર્તિમાં જોડાવું એટલે બીજેથી વાસના તૂટી જાય અને સુખિયા થવાય. જેણે એ મહારસ ચાખ્યો તેણે સંસારનો કૂચો કરી નાખ્યો. તેમ મહારાજની મૂર્તિમાં જે નિમગ્ન થયો તેને બીજું કાંઈ ન ગમે.
એક વાઘરણને રાજાએ રાણી કરી, પછી તેને એ મોટા વૈભવમાં સુખ ન આવ્યું અને પોતાના પ્રથમના અભ્યાસથી ટાઢા ટુકડા સાંભર્યા. તેથી એક દિવસ ટાઢા રોટલા ગોખમાં મૂકી તેની પાસે દેજો માબાપ, દેજો માબાપ, એમ કહી ટુકડા ખાધા. આ વાતની રાજાને ખબર પડી એટલે તેના પર કુરાજી થઈ તેનો દેહ રહ્યો ત્યાં સુધી તેનું મોઢું જોયું નહિ. તેમ સત્સંગમાં આવ્યા પછી પોતાના આગળના ઠરાવ મૂકે નહિ તો મહારાજ તેને જન્મ ધરાવીને શુદ્ધ કર્યા પછી જ મોક્ષ કરે છે. ॥ ૬૯ ॥