વાર્તા : ૪૫
સત્સંગમાં સૌને કારણ મૂર્તિ જે શ્રીજીમહારાજ તેનું કામ છે. એ મૂર્તિ જો પકડી રાખી હોય તો ગમે ત્યાં જાય પણ તેને ખુમારી ઊતરે નહિ. આપણે સત્સંગ કર્યો છે તે કાંઈ કોઈને દેખાડવા માટે નથી કર્યો. આ તો માંહી વધવા માટે છે. પણ આવું અનુસંધાન ન હોય અને ઉપર ઉપરથી થાબડી રાખે તે ક્યાં સુધી નભે? જેણે ચોખ્ખું અંગ કરેલું હોય તે તો ગમે ત્યાં જાય પણ સુખિયો રહે. અત્યારે તો સત્સંગમાં દિનકઢણિયા, સ્વાર્થીઓ તથા રોટલીયા એવા અનેક પ્રકારના માણસો જોવામાં આવે છે તે પોતાનું શું રૂડું કરી શકે? માટે ચોખ્ખું અંગ કરવું. ઋષભદેવ ભગવાને દીકરાની પણ મહોબત ન રાખી તેનું કારણ શું? તો એને (દીકરાને) મૂર્તિનો સંબંધ નહોતો રહ્યો. માટે આપણે તો એક શ્રીજીમહારાજ સાથે સંબંધ રાખવો. કરવા બેઠા તે પહેલું પૂરું કરી લેવું, પછી કરશું એમ ન રાખવું. મોટા મુક્તનો અહોનિશ સંગ રાખવો. તેમનાં વચન અધ્ધર ઝીલવાં, ગરજું થવું, ત્વરા રાખવી, તો પૂરું થઈ જતાં વાર ન લાગે. બાપાશ્રીના જોગમાં જે જે આવતાં તેને તો પોતે રાજી થઈને આશીર્વાદ આપતા અને કહેતા કે જાઓ! તમારું પૂરું થઈ ગયું પણ ઉધારો રાખતા નહિ. એવા મોટા હોય તે તરત પૂરું કરી દે. ॥ ૪૫ ॥