વાર્તા : ૪૭
પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, મહારાજનો મહિમા કેવી રીતે જાણે તો મૂર્તિ વિના બીજું કાંઈ રહે જ નહિ? ત્યારે સ્વામી બોલ્યા જે, મહારાજની મૂર્તિમાં જ સુખ છે એવી સમજણ દૃઢ કરી મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં મહારાજ તથા મોટા મુક્તનો કૃપાપાત્ર થાય ત્યારે મહારાજ તેને પોતાને સુખે સુખિયો કરે, પછી તેને બીજું કાંઈ રહે નહિ, એટલે તે એમ જાણે જે યત્કિંચિત્ જ્યાં જ્યાં સુખ છે તે સર્વે મૂર્તિનું છે એવો મહિમા સમજાય તો બીજેથી પાછો વળે. પછી તેને મૂર્તિ વિના કાંઈ ન દેખાય. એટલે એક મહારાજને જ દેખે. આવી રીતે સુખરૂપ થયો એ નિરાકાર નહિ, પણ જેમ મહારાજ સાકાર છે તેમ એ ભક્તનો ચૈતન્ય પણ સાકાર થયો; માટે આ વિચાર એ જ દેહ ભૂલવાનું પ્રાયશ્ચિત્ત છે. તે વિના બીજો ઉપાય એવો નથી.
પછી વાત કરી જે આપણે ત્યાગીએ, બે વાનાં જે ધન અને સ્ત્રી, તેનો ત્યાગ દૃઢપણે રાખવો જોઈએ તો મોટાનો જોગ કર્યો ય પ્રમાણ. પણ એ બે વાનાં નકરાં જાળવી બેસી રહે તો શું થાય? માટે ફળ સામી પણ દૃષ્ટિ રાખવી જોઈએ. ફળ હશે તો એ બે વાનાં સહેજે જળવાશે. માટે ફળ જે મૂર્તિ તે મુખ્ય રાખવી અને એ બે વાનાંનો ત્યાગ રાખવો તો સંપૂર્ણ સાધુતા કહેવાય, અને મોટાનો જોગ કર્યો ત્યારે જ પ્રમાણ કહેવાય. ॥ ૪૭ ॥