વાર્તા : ૧૧૯

0:000:00

વચનામૃતમાં તો સર્વે વાત મહારાજે કહિ છે, કાંઈ બાકી રાખ્યું નથી. પછી સંતે કહ્યું કે, કહ્યું તો છે પણ ક્યાં સમજાય છે? ત્યારે સ્વામી બોલ્યા જે, નાનાં છોકરાં હોય તે ન જમે, પણ આટલા વરા થાય છે તે કોણ જમતું હશે? એ તો સર્વે જમે છે ને કોઈક નહિ જમતું હોય તો પણ બીજા જમનારા ઘણા છે તેમ આ વાતો સમજનારા ઘણા છે ને કોઈ રહી જશે તો પછી સમજશે. પણ એમ ન જાણવું જે કોઈ નથી સમજતા. સૌ સમજે છે, માટે સર્વને દિવ્ય સમજવા.

પછી સાધુ ચૈતન્યદાસજીને પૂછ્યું જે, મહારાજના સ્વરૂપનો યોગ કોને હશે? ત્યારે સ્વામી બોલ્યા જે, મુક્તને અને પંચ વર્તમાને યુક્ત એવા ભક્તને યોગ છે, બીજાને તો અન્વય સ્વરૂપનો યોગ છે. यद् गत्वा न निवर्तन्ते એ શ્લોક બોલીને કહ્યું કે ત્યાં જઈને કોઈ પાછો ન આવે. તેમ મહારાજને પામ્યો તે પાછો ન જ આવે. મહારાજ અને મુક્તને ભેળા રહેવાની અલૌકિક રીત છે અને એવી જ કળ ચડાવી છે. તે કોઈને અડચણ ન પડે તેમ કાંઈ દાખડો પણ નહિ. આ રેલગાડીવાળા શું કરે છે? કોઈ દાખડો કરતા નથી. એ તો કળ ચડાવીને ઊભા રહે છે. તેમ મહારાજે આ કળ ચડાવી છે. તે ફરીને કાંઈ દાખડો જ નહિ. અને એક વકીલ એવો કરવો તે આપણને માયારૂપી કેસ જીતાડે. તે વકીલ ખરો હોય તેને કરવો. તે કેવો તો મહારાજરૂપ ને મૂર્તિમાં અખંડ રસબસ હોય તેવો કરવો. તો આપણને પોતા જેવા કરી મૂકે. ॥ ૧૧૯ ॥