વાર્તા : ૩૮

0:000:00

એક સમયે સ્વામી શ્વેતવૈકુંઠદાસજી સભામાં વચનામૃતની કથા વાંચતા હતા, તેમાં 'ઇંદ્રિયોના દોર્યા દોરાય તે વેશ્યાના ગળામાં હાથ નાખ્યા જેવું ગણાય,' એમ વાત આવી. ત્યારે શામજીભાઈએ પ્રશ્ન પૂછ્યો જે કેમ હોય ત્યારે ઇંદ્રિયોના દોર્યા દોરવાણા કહેવાય? ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, મહારાજના સંબંધ વિનાના તથા આજ્ઞા વિનાના બીજા વિષયમાં મન તથા ઇંદ્રિયોને પ્રવર્તવા દે એ દોરવાણા કહેવાય. જે મહારાજની આજ્ઞામાં વર્તે છે તે દોરવાણો ન કહેવાય.

પ્રથમ કચ્છ દેશ કેવો હતો? પણ મહારાજ અને મોટા મુક્તના જોગ સમાગમે સત્સંગનો રંગ ચઢતો ગયો. એમ મોટા પુરુષના જોગ સમાગમ અને રાજીપાથી વધાય છે. જુઓને! સદ્. શ્રી અચ્યુતદાસજી સ્વામીએ તથા મોટા મોટા સંતોએ ગામોગામ ફરી કચ્છના સત્સંગને બહુ સુધાર્યો; ત્યાર પછી સદ્. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીએ પણ પુષ્ટિ બહુ કરી અને બાપાશ્રીએ તો મણા જ ન રાખી, કેમ કે અનાદિમુક્તની સ્થિતિ સમજાવી. આમ મહારાજ તથા મોટાના પ્રતાપે સુખ મળે છે.

આગળ મોટા સંત કહેતા કે ધન મળશે, વૈભવ મળશે, સોનાનાં મંદિર થશે પણ ધર્મ રાખવો કઠણ પડશે. આપણે એવા મોટા સંતના વચનને વિચારતા રહેવું તો ધર્મ રહે. જીવને એવા ઢાળ પડી ગયા છે કે કથા-વાર્તા કરે, સેવા કરે, મહિમા કહે, પણ પોતાપણું મુકાય નહિ. જ્યાં સુધી પોતાપણું મૂકે નહિ ત્યાં સુધી મોટાના આશીર્વાદ મળે નહિ. માટે પોતાપણું મૂકી દેવું, તો મહારાજ તથા મોટા રાજી થાય. ॥ ૩૮ ॥