વાર્તા : ૪૩

0:000:00

પુરાણી ધર્મકિશોરદાસજીએ પ્રશ્ન પૂછ્યો જે, મહારાજ હાથ આવ્યા અને મુક્ત હાથ આવ્યા, પણ સુખ હાથ ન આવ્યું તેનું શું કારણ? પછી સદ્. સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, કારણ આવ્યું તો કાર્ય કેમ ન આવે? ત્યારે સ્વામી બોલ્યા જે એને મહિમા સમજાણો નથી. જો મહિમા સમજાય તો તુરત સુખ આવે. મૂર્તિ અને સુખ જુદાં નથી. જેમ કેરી અને રસ સાથે જ છે. એ રસ મીઠો-ખાટો કોણ જાણે? તેને તો જમનારો જાણે. કેરી કહે તો ય રસ અને રસ કહે તો ય કેરી; તે તો એક જ વસ્તુ છે. તેમ મૂર્તિ અને સુખની એકતા છે, પણ સમજનાર ને સમજાવનારા અધૂરા મળ્યા છે; એટલે મૂર્તિના સુખભોક્તા મુક્ત મળ્યા નથી, તેથી મૂર્તિ અને સુખ જુદું થઈ જાય છે. કદાપિ કોઈને મોટા તો મળ્યા હોય પણ જો તેમના વચનમાં વિશ્વાસ ન હોય તો મૂર્તિ અને સુખ જુદું સમજે. પણ વસ્તુતાએ મૂર્તિ અને સુખ જુદાં નથી; એક જ છે. પછી એમ બોલ્યા જે ગાયને જ્યારે વાછરડું ધાવતું હોય ત્યારે મોઢામાં દૂધ આવે તો પૂછડું પલકાવે છે, પણ દૂધ ન આવે ત્યાં સુધી પલકાવે નહિ. તેમ જેને મૂર્તિનો સંબંધ મહિમાએ સહિત થાય તેને સુખ બાકી ન રહે. જો બાકી છે એમ રહેતું હોય તો જાણવું જે મહિમા કહેવા માત્ર જ છે. ઉપાસના, ભક્તિ, મહિમા તથા પરચા, એ બધામાંથી શું નીકળે છે? તો મૂર્તિનું સુખ નીકળે છે. જેમ દૂધમાંથી ઘી નીકળે છે તેમ. માટે મૂર્તિના સુખમાં ઊંડો ઊતરે તેને એ હાથ આવે, પણ વાચ્યાર્થથી કાંઈ ન થાય. જેને બીજે ક્યાંય આશ્ચર્ય જેવું લાગે છે તેને તો મૂર્તિ વિના બીજે ક્યાંય સારપ્ય રહેતી હશે, પણ જો એક મૂર્તિમાં જ માલ મનાણો હોય તો પછી બીજે ક્યાંય આશ્ચર્ય જેવું રહે જ નહિ. ॥ ૪૩ ॥