વાર્તા : ૪૪
કેટલાક સત્સંગ કરતા જણાય છે, પણ તેને કામ, ક્રોધાદિક દોષ કેમ ટળતા નથી? તો તેનું તો એમ છે જે એને મૂર્તિનો યોગ થયો નથી. જો મૂર્તિનો યોગ થાય તો એ દોષ તુરત જતા રહે. સત્સંગ તે શું? તો સત્ય એવા જે ભગવાન તથા સત્ય એવા જે મુક્ત અને સત્ય એવો જે આત્મા તેનો યોગ તે સત્સંગ કહેવાય. જો બધે યથી વૃત્તિ ઉખાડી મહારાજની મૂર્તિમાં નિમગ્ન રહેવાય તો મૂર્તિનું સુખ મળે અને દોષમાત્ર તુરત ટળી જાય. એ વિના તો બીજો દેહનો વ્યવહાર, નાતનો વ્યવહાર તથા સત્સંગનો વ્યવહાર કહેવાય; તે તો સર્વના ઢાળ પ્રમાણે વર્તવું જોઈએ. જો ન વર્તે તો નિંદા થાય. પણ એકલા વ્યવહારમાં જ રહે અને મૂર્તિનો સંબંધ ન રાખે તો ઘાણીના બળદ જેવું થાય. ને તેણે કરીને પંથ ન કપાય. તેમ મૂર્તિના સંબંધ વિના સુખની પ્રાપ્તિ ન થાય. કેટલાક માળા ફેરવે, કથા કરે, પણ મૂર્તિનો સંબંધ ન હોય તો કાંઈ નહિ. એક હરિભક્ત બાપાશ્રી પાસે દર્શને આવેલ પણ મહિમાની ખબર નહિ અને ઊઠે, બેસે, જાય, આવે, કથા કરે એ બધું વેગથી કર્યા કરે. કેટલીક વાર તો પોતાની મેળાએ પારાયણો પણ વાંચી, એમ ઘણો વખત ત્યાં રહ્યા, પણ બાપાશ્રી કોઈ વાર જણાવતા જે આ અમારી પાસેથી કાંઈ લેતા નથી. આ રીતે દિનકઢણી જેવા ભણતરથી મહારાજની મૂર્તિનું સુખ ન આવે. આગળ એક સંતને અક્ષરરૂપે રહેવાનું અંગ બંધાયેલું હતું, તે ગમે ત્યાં જતા પણ તેનો કેફ એવો ને એવો જણાતો. તેમ આપણે મૂર્તિનો કેફ રાખવો. જ્યારે એવો કેફ અખંડ રહે ત્યારે જાણવું જે મૂર્તિનું સુખ હાથ આવ્યું. ॥ ૪૪ ॥