વાર્તા : ૭૮
મોટા મુક્ત એમ કહે કે સર્વત્ર મહારાજ દેખાય છે, પણ તેમાં કોઈ ઠેકાણે જમ્યા અને કોઈ ઠેકાણે ભૂખ્યા હોય એમ જણાવે છે, તેનું કેમ સમજવું? પછી સ્વામી બોલ્યા જે એ તો મહારાજમાં હેત થવા માટે એવો ભક્તિમાર્ગ રાખ્યો છે અને ઉપરથી એવું રાખે છે, પણ જ્ઞાને કરીને તો એમ સમજવાનું કે મહારાજ તો સદાય એક જ સ્થિતિમાં દર્શન દે છે. માટે જેટલો મહિમા સમજાય તેટલું સુખ આવે.
પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે શ્રી પુરુષોત્તમનારાયણને એકદેશી કેમ સમજવા અને સર્વદેશી કેમ સમજવા? ત્યારે સ્વામી બોલ્યા જે, શ્રીજીમહારાજ પોતાના અનાદિમુક્તોને મૂર્તિમાં રાખી કેવળ સુખ આપ્યા જ કરે છે એ એકદેશી સમજવા અને સત્સંગમાં જેને જેને જેવી રીતે સમાસ થાય તેમ વિચરે અને સુખ આપે તે સર્વદેશી સમજવા, આપણે તો છેવટની વાતો છે. આ પ્રતિલોમપણાની વાતો કરીએ છીએ તે પણ એ જ માટે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણમાં અડસઠ તીર્થ અને શ્રી પર્વતભાઈના ચરણમાં પણ અડસઠ તીર્થ; તે એના એ, બીજાં નહિ; તેમ મહારાજ એક અને મુક્ત અનેક, પણ આવી રીતે સમજે તે સુખિયા. ॥ ૭૮ ॥