વાર્તા : ૮૬

0:000:00

મહારાજને જેવા છે તેવા સર્વોપરી અને સર્વેના કારણ જાણવા એ મોટામાં મોટી ઘાંટી છે. કેટલાક તો એમ મોઢેથી કહેતા જાય કે મહારાજ સૌના ધણી છે તથા બહુ જ મોટા છે, પણ કામકાજમાં પોતાપણું મૂકે નહિ. તેણે કેવી રીતે મહારાજને મોટા જાણ્યા કહેવાય? અને જેવા છે તેવા મોટા જાણ્યા હોય તો પોતાપણું રહે જ નહિ. કોઈ કહે છે કે મહારાજ દેહમાં રહ્યા છે, કોઈ કહે છે કે અક્ષરમાં રહ્યા છે અને કોઈ તો વળી ભક્તમાં રહ્યા છે, એમ પણ કહે છે. એમ સૌ સૌની સમજણ પ્રમાણે બોલે છે પણ મહારાજ તો પોતાના તેજને પણ ઢાંકીને રહ્યા છે. એવા સર્વકારણ મહારાજને દેહાદિક શું ઢાંકી શકે? ન જ ઢાંકી શકે, કેમ કે મહારાજ તો સ્વતંત્ર છે, સર્વના નિયામક છે, સર્વના આધાર છે. જે દેહાદિકમાં રહ્યા છે એમ કહે છે તેને તો આ વાત જાણવામાં જ આવી નથી એમ સમજવું.

આ ટાણે સત્સંગમાં સત્સંગ ઓળખીને સુખિયા વર્તે એવા થોડા છે, પણ સગવડિયા અને મહોબતિયા ઘણા છે. તે કોઈ વખત મહારાજને મોટા કહે, કોઈ વખત રામકૃષ્ણાદિકને મોટા કહે, કોઈ વખત સરખા કહે, એમ બીજા પાસે પોતાની સારપ રાખ્યા કરે. એમ કરવાથી મહારાજનો રાજીપો થાય નહિ. માટે સર્વોપરી ઉપાસના સમજીને મહારાજને જ કર્તા જાણવા. એમાં બધું ય આવી ગયું. જો મહારાજ વિના બીજાને કર્તા જાણતો હોય તો બહુ જ મોટી ખોટ કહેવાય. કેમ કે કારિયાણીના 10મા વચનામૃતમાં મહારાજે ભગવાન વિના બીજાને કર્તા જાણનારને પંચમહાપાપીથી વધુ પાપી કહ્યો છે તે વિચારવું. ॥ ૮૬ ॥