વાર્તા : ૧૫૩
મહારાજ સંવત 1837માં પ્રગટ થયા ત્યારથી મહારાજનો મહિમા આજ સુધી વધુ ને વધુ સમજનારા સમજ્યા જ કરે છે. પોતે પ્રગટ થયા ત્યારે આ જ્ઞાન તો મહારાજ પાસે હતું જ, પણ બીજાં ધામોમાંથી આવેલા તેમ જ માયાના જીવો આવો સર્વોપરી મહારાજનો મહિમા ક્યાંથી સમજી શકે? માટે એ સૌને જેમ સમાસ થાય તેમ ધીરે ધીરે સમજાવ્યું. એ ટાણે બ્રહ્મજ્ઞાન વધુ હતું, તેથી સંતોને કેટલાક ગ્રંથો ભણાવ્યા. શ્રીજીમહારાજે એક દિવસ બ્રહ્મજ્ઞાનની વાત કાઢી પછી કોઈ સાથે પોતે બોલ્યા નહિ. ફેંટો શિથિલ થયો, નેત્રમાં જળ પડવા લાગ્યાં, એમ ઉદાસી જણાવી. 'તેમાં કલ્યાણ થાતું નથી' એમ કહી તેનો સારી રીતે નિષેધ કરી, કોઈને તેનો ભાર આવ્યો હશે તે કઢાવી નાખ્યો. આપણે તો મહારાજ સાકાર અને તેમનું તેજ નિરાકાર. મૂળ માયામાં રહ્યા જે વૈરાજ, પ્રધાનપુરુષાદિ કોટાનકોટી છે તે સર્વે દેહદેહી ભાવવાળા છે ને તેમના ચૈતન્ય સર્વે નિરાકાર છે; અને માયાથી પર જે મૂળપુરુષ, વાસુદેવબ્રહ્મ અને અક્ષર એ સર્વેમા દેહદેહી ભાવ નથી અને સાકાર મૂર્તિ છે તો પણ તેમને નિરાવયવ (નિરાકાર) કરી મહારાજ સત્સંગમાં લાવી પોતાના સ્વરૂપનું જ્ઞાન ઉપાસના કરાવે છે ત્યારે એ સર્વે આત્યંતિક મોક્ષને પામે છે અને અક્ષરાતિત મુક્તની પંક્તિમાં ભળે છે અને સદા સાકાર થાય છે. માટે મહારાજે વચનામૃતમાં પોતાને અને પોતાના મુક્તને સદા સાકાર કહ્યા છે. આત્મનિષ્ઠા કરવાનું કહ્યું તેમાં પણ બીજે અટકવાનું નહિ. તેમાં પણ સર્વના આત્મા મહારાજ એને વિષે નિષ્ઠા એ ખરી આત્મનિષ્ઠા. આમ બહુ જ ચોખવટ કરી છે. ॥ ૧૫૩ ॥