શ્લોક : ૧
वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि ।
वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये ॥ ૧ ॥
શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રી લખતા થકા પ્રથમ પોતાના ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગળાચરણ કરે છે: હું જે તે મારા હૃદયને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિષે રાધિકાજી રહ્યાં છે અને જેના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને વૃંદાવનને વિષે વિહારના કરનારા છે. ॥ ૧ ॥
ભાવાર્થ
સર્વોપરી, સર્વાવતારી, સર્વેશ્વર, સર્વેનિયંતા, સર્વસુખદાતા, અનંતકોટી મુક્તોના સ્વામી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને ધર્માદિ ચારેય પુરુષાર્થની સિદ્ધિને અર્થે પોતાના ઉપદેશામૃતરૂપી પત્રી લખતા પ્રથમ શ્લોકમાં સ્વસ્વરૂપના ધ્યાનરૂપ મંગળાચરણ કરીને પોતાના આશ્રિતોને એ શીખવે છે કે, કોઈ પણ કાર્યનો આરંભ કરતાં પહેલાં પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમની મૂર્તિનું ધ્યાન કરવું. હવે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા છે તો જેમની ચોમેર અનંતકોટી મુક્તનાં મંડળ રહ્યાં છે ને તે સર્વે મુક્ત ભગવાનના સાર્ધમ્યને પામેલા છે ને તેમના એકેક રોમને વિષે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે અને દાસભાવે પોતાના સ્વામીનો આનંદ અનુભવે છે. વળી, ગોલોકાદિ ધામને વિષે સ્ત્રી આકારે રાધિકા તથા રમા આદિ મુક્ત છે. તેમ અક્ષરધામ જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તેજ તેને વિષે સ્ત્રી આકારે કોઈ મુક્ત નથી; સર્વે મુક્ત પુરુષાકાર જ છે અને જેમ અવતારસ્વરૂપ શ્રીકૃષ્ણના વક્ષઃસ્થળને વિષે લક્ષ્મીજી રહ્યાં છે, તેમ શ્રીકૃષ્ણાદિ સર્વે અવતારના અવતારી શ્રીજીમહારાજ કેવળ કૃપા કરીને જે મુક્તને પોતાનું પરમ સાર્ધમ્ય પમાડે છે, તે મુક્ત એકાત્મભાવે મૂર્તિમાં રહીને મૂર્તિનો યથાર્થ આનંદ અનુભવે છે. આવી રીતે ઐક્યભાવથી મૂર્તિમાં રહેલા મુક્તોને શ્રીજીમહારાજ તથા મૂર્તિમાં રહેલા મુક્તો જ દેખે છે, પણ બીજા દેખી શકતા નથી.
અને તે શ્રીહરિ તે વૃંદાવનને વિષે વિહાર કરે છે. અર્થાત્ શ્રીહરિના પ્રસાદીભૂત સ્થાનો જે છપૈયા, ગઢપુર, વડતાલ, જેતલપુર આદિ તેમાં શ્રીહરિ વાસ કરે છે. આ અવરભાવનો અર્થ છે. પરભાવમાં તો વૃંદ કહેતા મુક્તોનો સમૂહ તેમાં 'અવન' કહેતાં વાસ કરીને રહેલા છે એમ સમજવું.
હવે અહીં શ્રીહરિ સ્વસ્વરૂપનું ધ્યાન કરે છે એમ કહ્યું કારણ કે, શ્રીકૃષ્ણ, નરનારાયણાદિ સકળ નામો સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં છે અને અન્ય અવતારોમાં જેને-જેને વિષે અવતારી શ્રી પુરુષોત્તમ ભગવાનનાં ગુણ-ઐશ્વર્યનો આવિર્ભાવ થાય છે, તેને તેને શ્રીકૃષ્ણાદિક નામની ઉપમા દેવાય છે, પણ વાસ્તવિક શ્રીકૃષ્ણાદિ નામ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં જ છે.