શ્લોક : ૧૮૬
चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् ।
पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा ॥ ૧૮૬ ॥
અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું; અને ડુંગળી, ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણજાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું. ॥ ૧૮૬ ॥
ભાવાર્થ
'ચર્મવારી' અર્થાત્ ચામડાના કોશથી કાઢેલું પાણી તથા ચામડાની મશક આદિમાં ભરી રાખેલું પાણી, હવાડાનું પાણી, સીરવૃક્ષના રસના ઘડામાં ભરેલું પાણી, સમુદ્રના મોજાંથી નૌકામાં દાખલ થયેલ અને જળ ઉલેચવાના પાત્રમાં આણેલું પાણી તે કોઈ પણ આશ્રમમાં રહેલા બ્રાહ્મણોએ ન પીવું. અને ડુંગળી ને લસણની જુદી જુદી જાતો જે - લસણ, દીર્ઘપત્ર, પિચ્છગંધ, મહૌષધ, ફરણ, પલાન્ડુ, લવર્તક, અપવારિકા, ગૃંજન, યવનેષ્ટ આદિ અભક્ષ્ય વસ્તુઓ હોઈ બ્રાહ્મણોએ તેનું ભક્ષણ કરવું નહિ.
બ્રાહ્મણોને ઉદ્દેશીને કરાયેલી આ આજ્ઞા બીજી વર્ણના સર્વજનોએ પણ માનવી, તે શ્રીહરિએ સત્સંગિજીવનમાં કહ્યું છે જે, જાતિથી ઉત્કૃષ્ટ કે કનિષ્ઠ એવો ભેદ પાડ્યા વિના તુલ્યપણે સર્વકોઈ ગૃહસ્થોએ, મદ્યમાંસનો પ્રસંગ ન જ કરવો. તથા ડુંગળી, લસણ આદિકનું ભક્ષણ ન જ કરવું. વળી માદક વસ્તુ હોય તેનું પણ ભક્ષણ કરવું નહિ.
બ્રાહ્મણાદિમાં જેના જે લક્ષણો કહેલાં છે, તે જો બીજી જાતિના મનુષ્યમાં દેખાય, તો તેને તેવાં લક્ષણ ઉપરથી તે - તે જાતિનો ગણવો જોઈએ.