શ્લોક : ૧૬
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा ।
अंगच्छेदो न कर्तव्य: शस्त्राद्यैश्च क्तुधापि वा ॥ ૧૬ ॥
અને ક્યારેક પોતાવતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજાવતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું; અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. ॥ ૧૬ ॥
ભાવાર્થ
શ્રી સહજાનંદ સ્વામી પ્રાણીમાત્રની હિંસાનો નિષેધ કરીને હવે પ્રાણીના એકાદ અવયવનું જે છેદન, તેનો પણ નિષેધ કરે છે. શ્રીહરિ કહે છે : લોક અને શાસ્ત્ર તેણે નિંદિત એવું પરસ્ત્રીનો અંગસંગ આદિક પાપકર્મ, પોતાવતે થયે સતે અથવા બીજાએ કર્યે સતે; શસ્ત્ર જે તલવાર, અસ્ત્રો અથવા છરો એ આદિકે કરીને પોતાનાં અથવા પોતાનો અપરાધ કરનાર સ્ત્રી, પુરુષ, પશુ આદિ તેના 'અંગનું', કહેતા કર્ણ, નાસિકા વા ગુહ્યાંગ તેનું છેદન ન કરવું; કારણ કે અંગચ્છેદન કરવાથી અગાઉનું જે પાપ તેની નિવૃત્તિ થતી નથી; સામું અંગચ્છેદન કરવાનું બીજું પાપ પ્રાપ્ત થાય છે ને નિર્દયપણું આવે છે; અને તેથી ભગવાન કુરાજી થાય છે ને જન્મમરણરૂપ સંસૃતિ થાય છે. વળી સ્વપર અંગચ્છેદનવચન પણ ઉચ્ચારણ ન કરવું કે પરને ત્રાસ ઉત્પન્ન કરનારી એવી વાણી પણ ક્યારેય ઉચ્ચારણ ન કરવી.
અને દુષ્ટ વચન આદિ થકી ઉત્પન્ન થયેલો એવો ક્રોધ, તેના વશપણે કરીને પણ, શસ્ત્રાદિકથી પોતાના વા પરના અંગનું છેદન ન કરવું; કારણ કે તેથી મહાન અનર્થ થાય છે. વળી દાન, વ્રતો, નિયમો, જ્ઞાન, ધ્યાન, હોમ, જપ - એ બધું ઘણા પ્રયત્ને કરીને કર્યું હોય, છતાં ક્રોધ કરનારાનું તે સર્વ નિષ્ફળ થઈ જાય છે.