શ્લોક : ૯૩-૯૪-૯૫

वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् ।

पुराणं भारते तु श्रीविष्णोनमिसहस्रकम् ॥ ૯૩ ॥

અને ચાર વેદ, તથા વ્યાસસૂત્ર, તથા શ્રીમદ્ભાગવત નામે પુરાણ, તથા મહાભારતને વિષે શ્રી વિષ્ણુસહસ્રનામ; ॥ ૯૩ ॥

तथा श्रीभगवद्गीता नीतिश्च विदुरोदिता ।

श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ॥ ૯૪ ॥

તથા શ્રી ભગવદ્ગીતા, તથા વિદુરજીએ કહેલી જે નીતિ, તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જેશ્રી વાસુદેવમાહાત્મ્ય; ॥ ૯૪ ॥

धर्मशास्त्रान्तर्गता च याज्ञवल्क्यऋषे: स्मृति: ।

एतान्यष्ट ममेष्ठानि सच्छास्त्राणि भवन्ति हि ॥ ૯૫ ॥

અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્યઋષિની સ્મૃતિ - એ જે આઠ સચ્છાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. ॥ ૯૫ ॥

ભાવાર્થ

વેદ એટલે ઋગ્, સામ, યજુર્ અને અથર્વ એ ચાર વેદ અને વેદના અંગ એટલે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ ને નિરુક્ત. વ્યાસસૂત્ર એટલે વ્યાસે કહેલાં સૂત્રો કહેતાં જેનાં થોડા અક્ષરો હોય, તેનો ભાવ સંશય વગરનો હોય, ટૂંકમાં સારવાળું, સર્વે તરફ જેની ગતિ થાય તેવું સ્થિર, અને કલંક વિનાનું એવું લખાણ તેવા સૂત્રોનું શાસ્ત્ર. શ્રીમદ્ભાગવત એટલે જેમાં અઢાર હજાર શ્લોક છે, જેના બાર સ્કંધ છે, જેમાં નારાયણકવચ તથા વૃત્રાસુરના વધની કથા છે, ગાયત્રીમંત્રથી જેનો આરંભ છે ને જેની સમાપ્તિ પણ ગાયત્રીમંત્રથી કરેલી છે એવું પુરાણ. શ્રી વિષ્ણુસહસ્ત્રનામ - મહાભારતમાં આનુશાસનિક પર્વમાં 'વિષ્ણુસહસ્ત્રનામ'થી પ્રસિદ્ધ સ્તોત્ર છે તે શાસ્ત્ર. શ્રી ભગવદ્ગીતા - મહાભારતના ભીષ્મપર્વમાં શ્રીકૃષ્ણભગવાને અર્જુન પ્રતિ યુદ્ધ સમયે કહેલી એવી ગીતા. વિદુરનીતિ - મહાભારતના ઉદ્યોગપર્વમાં ધૃતરાષ્ટ્રપ્રતિ વિદુરે કહેલી જે નીતિ. શ્રી વાસુદેવમાહાત્મ્ય - કાર્તિક સ્વામીએ કહેલા સ્કંદપુરાણના સાત ખંડમાંના વૈષ્ણવખંડમાં શ્રી નરનારાયણે કહેલું, બત્રીસ અધ્યાયનું શ્રીકૃષ્ણમાહાત્મ્ય. યાજ્ઞવલ્ક્યસ્મૃતિ - જેનાથી સ્મરણ થાય તે સ્મૃતિ કહેવાય; એટલે જુદી જુદી શાખાઓમાં પથરાઈ ગયેલ ધર્મનું યોગબળથી સ્મરણ કરીને, દેવરાત નામના બ્રહ્મર્ષિના પુત્ર યાજ્ઞવલ્ક્યે રચેલ, ધર્મશાસ્ત્ર અંતર્ગત એક શાસ્ત્ર. આ જે આઠ શાસ્ત્રો તે ઈશ્વરનું સ્વરૂપ સત્ય છે એમ પ્રતિપાદન કરે છે. તેથી સચ્છાસ્ત્ર કહેવાય છે.

હવે જેમ આ સચ્છાસ્ત્રો પરોક્ષના સ્વરૂપોનું નિરૂપણ કરે છે તથા તેનું સમર્થન કરે છે તેમ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના સ્વરૂપનું જ્ઞાન આપે અર્થાત્ સર્વોપરી ઉપાસના સમજાવે અને સમર્થન કરે એવાં જે શ્રીહરિએ તથા તેમના મહાસમર્થ મુક્તોએ રચેલા શાસ્ત્રો તે - શ્રીહરિ કહે છે કે, તેમને ઇષ્ટ છે.