શ્લોક : ૭૧

विवादो नैव कर्तव्य: स्वाचार्येण सह क्वचित्

पूज्योऽन्नधनवस्त्राद्यैर्यथाशक्ति स चाखिलै: ॥ ૭૧ ॥

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો. અને પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને, તે પોતાના આચાર્યને પૂજવા. ॥ ૭૧ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિતોએ પોતાના આચાર્ય, એટલે કે ગુરુ (જે ધર્મ પાળે અને બીજાને પળાવે તે આચાર્ય) તેમની સાથે ક્યારેય પણ 'વિવાદ' એટલે કે તેમના વચનનો પ્રતિવાદ, તેમની સાથે વાણીનો કલહ, તથા વાણીથી તેમનું અપમાન, તે ન કરવું; કેમ કે ગુરુની અવજ્ઞાથી તથા શ્રુતિ-શાસ્ત્રોની નિંદાથી, શિષ્ય પાપબુદ્ધિવાળો થાય છે, જેની વિશુદ્ધિ, યમથી પણ થતી નથી. અને ગુરુના વાક્યનું સર્વપ્રકારે પરમ આદરથકી પાલન કરવું.

વળી સર્વે મનુષ્યે અન્ન, ધન તથા વસ્ત્રાદિ ભેટ-સામગ્રી વડે દેવની પેઠે પોતાના ગુરુનું યથાશક્તિ પૂજન કરવું કારણ કે ગુરુમાં સર્વે દેવનો વાસ છે.