શ્લોક : ૨૬
स्वपरद्रोहजननं सत्यं भाष्यं न कर्हिचित् ।
कृतघ्नसङ्गस्त्यक्तव्यो लुञ्चा ग्राह्यान कस्यचित् ॥ ૨૬ ॥
અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન, તે ક્યારેય ન બોલવું. અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. ॥ ૨૬ ॥
ભાવાર્થ
પોતાનો તથા પારકો દ્રોહ થાય તેવું 'સત્ય' એટલે જેવું હોય તેવું યથાસ્થિત વચન ક્યારેય ન બોલવું; જે સત્ય બોલવાથી પોતાને વા અન્યને પીડા થાય તેવું સત્ય ન બોલવું; બાકી તો સત્ય જ બોલવું; અસત્ય ન બોલવું. પોતાના અથવા પારકાના પ્રાણની રક્ષા માટે, ગુરુને માટે, સ્ત્રીઓની પાસે, મશ્કરીમાં, વિવાહ કાર્યમાં, આજીવિકાની રક્ષા કરવામાં તથા ગાય કે બ્રાહ્મણના હિતને માટે અસત્ય બોલવામાં દોષ નથી. આવા પ્રસંગો સિવાય, હંમેશાં સત્ય જ બોલવું. સત્ય વચન શ્રેય કરનારું છે; પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ સમજવું એ અત્યંત દુષ્કર છે. પ્રત્યક્ષ જોયેલું, શાસ્ત્રમાંથી સાંભળેલું, શાસ્ત્ર વચનને મળતું આવે તેવું અનુમાન કરેલું, પોતે બરાબર અનુભવેલું, પારકાને પીડા ન થાય એવું તથા ભૂતપ્રાણીમાત્રનું અતિ હિત થતું હોય એવું જે વચન, તેને જ સત્ય વચન જાણવું. શાંતિ ઇચ્છતા પુરુષે, સામાનું વચન યથાર્થ સાંભળીને તથા અન્યની ક્રિયા પ્રત્યક્ષ જોઈને તથા પોતાની સાત્ત્વિક બુદ્ધિથી તેનો નિર્ણય કર્યા પછી જ, અપવાદરહિત, હિંસારહિત, ચાડિયાપણારહિત, શઠતારહિત, મર્મસ્થળ ભેદાય તેવા વચનેરહિત, ક્રુરતારહિત અને પથ્ય તથા પ્રિય એવું સત્ય વચન બોલવું. વળી શ્રી સ્વામિનારાયણ ભગવાને એમ પણ કહ્યું છે કે, સત્ય બોલવું; પ્રિય બોલવું; પરંતુ અપ્રિય એવું સત્ય ન બોલવું તેમ જ પ્રિય એવું અસત્ય ન બોલવું એ જ ધર્મ છે.
અને જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો. જે કરેલા ઉપકારનો વાણીથી નાશ કરે તે કૃતઘ્ની કહેવાય. તેમ જ ઉપકારને ભૂલી જઈને સામો અપકાર કરે તે પણ કૃતઘ્ની કહેવાય. એવા કૃતઘ્નીને અતિપાતક લાગે છે અને તેનો સંસર્ગ રાખનારને પણ તેવો દોષ પ્રાપ્ત થાય છે. માટે કૃતઘ્નીનો સંગ ન કરવો.
અને કોઈ પણ મનુષ્યની પાસેથી લાંચ ન લેવી; એકાંતમાં ભય આદિ બતાવીને, પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં તત્પર એવાં મનુષ્ય પાસેથી ગ્રહણ કરાતા દ્રવ્યને લાંચ કહેવાય છે. લાંચ ન લેવાનો હેતુ એ છે કે, અન્યાયથી સંપાદન કરેલું દ્રવ્ય દશ વર્ષ સુધી ટકે છે. અગિયારમું વર્ષ પ્રાપ્ત થતાં 'મૂળસહિત' કહેતાં, ન્યાયથી મેળવેલી કે વારસાગત પ્રાપ્ત થયેલી પોતાની જે મિલકત હોય તેણે સહિત નિશ્ચે નાશ પામી જાય છે.