શ્લોક : ૨૦૦

स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् ।

निश्छद्म वर्तितव्यं च साधूनामग्रत: सदा ॥ ૨૦૦ ॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ; અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું.॥ ૨૦૦ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજના આશ્રિત 'ત્યાગાશ્રમીઓએ' અર્થાત્ સંત-બ્રહ્મચારી વગેરે ત્યાગીઓએ, રોગાદિ આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ; રોગાદિ આપત્તિમાં ખાટલામાં સૂવાનો દોષ નથી; કેમ કે ધર્મ તો દેહરખ્ખુ કહેલો છે.

વળી તે વર્ણી તથા સાધુએ આ જ ગ્રંથમાં પ્રથમ કહેલાં લક્ષણવાળા ભગવાનના ભક્તોની આગળ નિષ્કપટ થઈને સર્વકાળે વર્તવું.

શ્રીજીમહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના ૭૬માં વચનામૃતમાં કહ્યું છે : "ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની-એ ચાર પ્રકારના જે મનુષ્ય, તે જો હરિભક્ત હોય તો ય પણ તે સાથે અમારે બને નહિ" - આ વચનામૃતમાં સામાન્યપણે કપટનો નિષેધ જ કર્યો છે તો સંતોની આગળ કે ભગવદ્ભક્તની આગળ તો કપટ ન જ રખાય તેમાં શું કહેવું?