શ્લોક : ૧૫૧
श्रीकृष्णगुरु़साधुनां दर्शनार्थं गतौ पथि ।
तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यह्रत् ॥ ૧૫૧ ॥
અને શ્રીકૃષ્ણભગવાન, તથા પોતાના ગુરુ, તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયેસતે, માર્ગને વિષે પારકું અન્ન ખાવું નહિ; તથા શ્રીકૃષ્ણભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક, તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ; કેમ જે, તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરિ લે એવું છે; માટે પોતાની ગાંઠનું ખર્ચ ખાવું. ॥ ૧૫૧ ॥
ભાવાર્થ
પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ ભગવાન, પોતાના ગુરુ જે ભગવદ્જ્ઞાન આપી શ્રીહરિ સાથે સંબંધ કરાવે છે તે, સાધુ એટલે ત્યાગધર્મમાં પ્રવર્તેલા એવા બ્રહ્મચારી તથા સાધુ; તેમ જ સાધુગુણ-સંપન્ન સત્સંગી હરિભક્તો-તેમનાં દર્શન માટે જતી વખતે માર્ગમાં તેમ જ તેમના સ્થાનમાં એટલે સ્વેષ્ટદેવ ભગવન્મંંદિર વગેરે સ્થળે, પારકું અન્ન ન લેવું; કેમ કે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું કહેલું છે. જેનું અન્ન ખાઈને પુરુષ તીર્થક્ષેત્ર, વ્રતો, યજ્ઞ, જપ તથા તપ કરે છે તો, તે જેનું અન્ન હોય તેને જ એનું ફળ મળે છે.