શ્લોક : ૫૧
उपविश्य तत: शुद्ध आसने शुचिभूतले ।
असङ्कीर्ण उपस्पृश्यं प्राङमुखं वोत्तरामुखम् ॥ ૫૧ ॥
અને તે વાર પછી, પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ, ને કોઈ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન, તેને વિષે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. ॥ ૫૧ ॥
ભાવાર્થ
હવે વસ્ત્રો ધારણ કર્યા પછી પવિત્ર એવી ભૂમિમાં અથવા એવું સ્થાન ન હોય તો દેવનાં મંદિર વગેરેમાં અસંકીર્ણ અને શુદ્ધ આસન પર બેસીને આચમન કરવું. હવે અસંકીર્ણ એટલે; બીજા આસનને અડેલું, અતિ મોટું - બે - ત્રણ આસનો થાય તેવું અને પોતાનું તથા દેવનું સળંગ આસન હોય - આ સિવાયનું આસન અસંકીર્ણ કહેવાય તથા શુદ્ધ એટલે અશુદ્ધ દ્રવ્યના સ્પર્શથી રહિત અને 'આસન' એટલે જેના ઉપર પોતાને સુખેથી બેસી શકાય તે. રેશમી વસ્ત્રનું, કાંબળી અર્થાત્ ઊનનું, કાળિયાર મૃગનું, ધોયેલા વસ્ત્રનું, કાષ્ઠમાંથી બનાવેલું, પાંદડાનું બનાવેલું, દર્ભનું, શણનું, નેતરથી બનાવેલું તેમ જ વૃક્ષની છાલનું આસન - આવા આસન ઉપર પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું.
હવે તે આચમન કેવી રીતે કરવું તો બંને ઢીંચણ વચ્ચે ડાબા હાથના સ્પર્શપૂર્વકનો જમણો હાથ રાખી, હથેળીમાં બાહ્યતીર્થ છે ત્યાં અડદનો દાણો બૂડે તેટલું જળ લઈ, આંગળીઓની ગોકર્ણાકૃતિ કરી, ફીણ વગરના, ગાળેલા, પવિત્ર જળથી આચમન કરવું (હોઠનો સ્પર્શ ન થાય તેમ મુખમાં ક્ષિપ્ત કરવું પરંતુ તે જળ પીવું નહિ - તે આચમન કહેવાય) આવી રીતે ત્રણ વખત આચમન કરવું. પ્રભુની સ્મૃતિ સહ આચમન કરવાથી પ્રાણની શુદ્ધિ થાય છે.