શ્લોક : ૧૨૩
मज्ज्येष्ठावरजभ्रातृसुताभ्यां तु कदाचन ।
स्वासन्नसम्बन्धहीना नोपदेश्या हि योषित: ॥ ૧૨૩ ॥
હવે પ્રથમ ધર્મવંશી જે આચાર્ય અને તેમની પત્નીઓ, તેમના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ: અમારા મોટાભાઈ અને નાનાભાઈ તેમના પુત્ર જે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે પોતાના સમીપસંબંધ વિનાની જે બીજી સ્ત્રીઓ, તેમને મંત્ર ઉપદેશ ક્યારેય ન કરવો. ॥ ૧૨૩ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજ કહે છે કે : મારા મોટાભાઈ જે રામપ્રતાપભાઈ તથા નાનાભાઈ ઇચ્છારામભાઈના પુત્રો જે શ્રી અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજી તેમણે ક્યારેય પણ નિકટ સંબંધ વિનાની એટલે કે દૂરના સંબંધવાળી સ્ત્રીઓને તેમ જ સંબંધ વિનાની સ્ત્રીઓને, હરિકૃષ્ણ એવો હું, તે મારા મંત્રનો ઉપદેશ ન કરવો.
અહીં જેના મરણથી સૂતક આવે તે નિકટસંબંધ સમજવો. અને આવા નિકટસંબંધ સિવાયની સ્ત્રી, મંત્રદીક્ષા લેવા સારુ આવે તો પોતાનાં પત્ની, કે જેમને પોતે મંત્રોપદેશ આપ્યો હોય તે દ્વારા તેને ઉપદેશ અપાવવો, પણ પોતે જાતે તેને મંત્રોપદેશ ન આપવો. આ ધર્મમર્યાદા શ્રી ધર્મદેવે સ્થાપેલી છે તે શ્રીહરિના આશ્રિતોએ પાળવી.