શ્લોક : ૫
सधवा विधवा योषा याश्च मच्छिष्यतां गता: ।
मुक्तानंदादयो ये स्यु: साधवश्चाखिला अपि ॥ ૫ ॥
તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ. ॥ ૫ ॥
ભાવાર્થ
અહીં શ્રીહરિએ સધવા તેમ જ વિધવા સ્ત્રીઓ એમ કહ્યું પણ કોઈનો નામનિર્દેશ કર્યો નથી કેમ જે તે સ્ત્રીઓ એમના પતિ-પુત્રાદિકથી સ્વતંત્ર નથી અને તેથી મયારામ ભટ્ટ આદિ ગૃહસ્થ સત્સંગી - એવી રીતે નામનિર્દેશ કર્યા પછી જ સધવા તથા વિધવા સ્ત્રીઓનો આ શ્લોકમાં નિર્દેશ કરેલો છે.
'સાધુ' એટલે પોતાનું મોક્ષસંબંધી કાર્ય તથા પરના મોક્ષનું કાર્ય સિદ્ધ કરે તે સાધુ કહેવાય. વળી શ્રીજીમહારાજે દીક્ષાવિધિમાં કહેલી એવી ત્યાગીસાધુની દીક્ષા તેને ધર્મવંશી ગુરુથકી પામીને ધર્મામૃતમાં કહેલ સ્ત્રીદ્રવ્યનો ત્યાગ રાખવો એ આદિ ધર્મને વિષે રહેલા એવા સંતોને પણ મુનિ, પરમહંસ તથા સાધુ નામે કહેલા છે.
આ સ્થળે સાધુનો સર્વેથી અંતમાં નિર્દેશ કરેલો છે તેના બે હેતુ છે : એક તો સંતને સ્વધર્મ પાળવામાં વિક્ષેપ કરનારી એવી વ્યાવહારિક કાર્યની આસક્તિનો અભાવ છે તથા એકાંતિક ધર્મને વિષે એમની દૃઢ નિષ્ઠા છે. વળી 'બધા સંતો' એવું પદ મૂકીને શ્રીહરિ એમ કહેવા માગે છે કે, મુક્તસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો પણ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી દરેક સંતને સદાચારનું પાલન આવશ્યક છે.