શ્લોક : ૧૩૩
अथैतयोस्तु भार्याम्यामाज्ञया पत्युरात्मन: ।
कृष्णमंत्रोपदेशश्च कर्तव्य: स्त्रीभ्य एव हि ॥ ૧૩૩ ॥
અને હવે એ અયોધ્યાપ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ, તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ, શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષને ન કરવો. ॥ ૧૩૩ ॥
ભાવાર્થ
શ્રીહરિએ, પોતાના પદ પર સ્થાપન કરેલા ધર્મધુરંધર આચાર્યોની પત્નીઓએ, પોતાના શરણે આવી હોય તેવી સ્ત્રીઓને, પોતાના પતિની આજ્ઞાથી શ્રીહરિના મંત્રનો ઉપદેશ આપવો. કારણ કે જે સ્ત્રી પોતાના પતિની આજ્ઞા સિવાય બીજાને ધર્મોપદેશ કરે છે, દાન કરે છે, તીર્થ કરે છે કે વ્રતો કરે છે તો, તે નિશ્ચે, નિષ્ફળ જાય છે.
શ્રુતિ, સ્મૃતિ તથા ગૃહ્યસૂત્રોમાં પતિપત્નીની એકઅંગતા, અને એક કાર્યકારકતા કહેલી છે; તેથી આચાર્યપત્ની, આચાર્યશ્રીની આજ્ઞાથી દીક્ષા આપે તે આચાર્યશ્રીએ જ દીક્ષા આપી ગણાય; જો આ મર્યાદા ન રાખી હોત તો, આચાર્યપત્નીને અન્ય પુરુષનો પ્રસંગ થતાં અને આચાર્યને અન્ય સ્ત્રીનો પ્રસંગ થતાં, તેઓને ધર્મભ્રષ્ટતાનો પ્રસંગ પ્રાપ્ત થાત. શાસ્ત્રમર્યાદાનો વિચાર કરીને જ ધર્મદેવે પણ આ મર્યાદા પાલન કરી હતી.