શ્લોક : ૧૯૨
अनर्ध्यं चित्रितं वास: कुसुम्भाद्यैश्च रञ्जितम् ।
न धार्यं च महावस्त्रं प्राप्तमन्येच्छयाऽपि तत् ॥ ૧૯૨ ॥
અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, તથા ચિત્રવિચિત્ર ભાત્યનું હોય, તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, કે શાલ-દુશાલા હોય, ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ, તે વસ્ત્ર પોતે પહેરવું-ઓઢવું નહિ. ॥ ૧૯૨ ॥
ભાવાર્થ
વળી સાધુએ ઘણાં મૂલ્યવાળાં, રંગબેરંગી, કસુંબલ રંગથી રંગેલાં, ગળીમાં બોળેલાં , 'મહાવસ્ત્ર' જે દુશાલા તેમ જ અતિશય ઝીણાં એવાં પારદર્શક, તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવા રજોગુણી વસ્ત્રો એ બધાં ભલે બીજાની ઇચ્છાથી પ્રાપ્ત થતાં હોય તો પણ તે ધારણ કરવાં નહિ. કારણ કે એવાં વસ્ત્રોથી રજોગુણ ઉત્પન્ન થઈ ઇંદ્રિયોની વૃત્તિ વિષય સન્મુખ થવાનો સંભવ છે, તેથી ત્યાગ-વૈરાગ્યની દૃઢતા પણ શિથિલ થઈ જાય છે.