શ્લોક : ૯૭

तत्राचारव्यवहृतिनिष्कृतानां च निर्णये ।

ग्राह्या मिताक्षरोपेता याज्ञवल्क्यस्य तु स्मृति: ॥ ૯૭ ॥

અને તે આઠ સચ્છાસ્ત્રમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત-એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિષે તો મિતાક્ષરા ટીકાએ યુક્ત એવી જે યાજ્ઞવલ્ક્યઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું. ॥ ૯૭ ॥

ભાવાર્થ

'આચાર' એટલે નિત્યપ્રાપ્ત, તેમ જ અમુક નિમિત્તે પાળવાના સદાચાર. 'વ્યવહાર' એટલે આપવું - લેવું એ વગેરે જે વ્યવહાર અને 'નિષ્કૃત' જે જાણે - અજાણે શરીર આદિનાં પાપ થયાં હોય તેનું પ્રાયશ્ચિત્ત કરવું તે. આ સર્વેના નિર્ણય માટે; જુદા જુદા મતને લીધે ઉત્પન્ન થયેલ સંશય નાશ કરવા માટે, મિતાક્ષરાટીકાએ યુક્ત યાજ્ઞવલ્કયની સ્મૃતિ ગ્રહણ કરવાનું કહ્યું. તેમાં જે નિર્ણય સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત સાથે સુસંગત હોય તે જ ગ્રહણ કરવો, પણ એથી બીજો નિર્ણય ગ્રહણ કરવો નહિ.

ખરેખર તો શ્રીહરિએ પોતે 'સત્સંગિજીવન'ના પાંચમા પ્રકરણમાં આચારાદિકનો નિર્ણય મિતાક્ષરાટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ કરતાં પણ વધારે સ્પષ્ટ કરેલો છે. માટે શ્રીહરિજીના આશ્રિતોએ તો સત્સંગિજીવનથકી જ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય જાણવો.