શ્લોક : ૧૧૨

अतश्चास्य स्वरु़पेषु भेदो ज्ञेयो न सर्वथा ।

चतुरादिभुजत्वं तु द्विबाहोस्तस्य चैच्छिकम् ॥ ૧૧૨ ॥

એ હેતુ માટે એ શ્રીકૃષ્ણ ભગવાનનાં જે સ્વરૂપ, તેમને વિષે સર્વપ્રકારે કરીને ભેદ ન જાણવો. અને ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્રભુજપણું-ઇત્યાદિક જે ભેદ જણાય છે તે તો, દ્વિભુજ એવા જે તે શ્રીકૃષ્ણ, તેમની ઇચ્છાએ કરીને છે -એમ જાણવું. ॥ ૧૧૨ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજ મુમુક્ષુ જીવોને પોતાનો નિશ્ચય કરાવવા સારુ સમાધિ કરાવતા. અને તે સમાધિમાં રાધાકૃષ્ણ, નરનારાયણ, લક્ષ્મીનારાયણ આદિ રૂપે પોતે થઈને દર્શન દેતા હતા - એ જ પોતાના સંકલ્પસ્વરૂપ, શ્રીજીમહારાજે પોતે મહામંદિરોમાં પધરાવ્યાં છે, માટે અમદાવાદ, વડતાલ, ગઢપુર, મૂળી આદિ ધામોમાં, - મોટાં મંદિરોમાં પધરાવેલ એવાં, નરનારાયણ, લક્ષ્મીનારાયણ, ગોપીનાથ, રાધાકૃષ્ણ આદિ સ્વરૂપોને વિષે સર્વપ્રકારે ભેદ ન સમજવો, પરંતુ ગોલોકવાસી રાધાકૃષ્ણ, બદરિકાશ્રમવાસી નરનારાયણ ને લક્ષ્મીનારાયણ આદિ અવતારસ્વરૂપમાં અને અનાદિ શ્રીકૃષ્ણ જે અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, તેમાં તો અવતાર - અવતારી એવો ભેદ છે જ.

વળી શ્રીજીમહારાજે સ્વેચ્છાથી મુમુક્ષુ એવા મતવાદીઓને પોતામાં પ્રતીતી કરાવવા માટે, વેષાંતર ધારણ કરનારા જનોની માફક દ્વિભુજ, ચતુર્ભુજ કે સહસ્ત્રભુજરૂપે પોતે જ દર્શન દીધાં હોય તેમાં તથા શ્રીહરિમાં ભેદ નથી; એક જ છે.

માટે આ જે સ્વરૂપો આપણા મંદિરોમાં પધરાવેલ છે, તે તે સ્વરૂપે શ્રીજીમહારાજ પોતે જ વેષાંતર કરીને દર્શન આપે છે - એમ જાણવું. તેથી એ સ્વરૂપોમાં ને દ્વિભુજ એવા શ્રીહરિકૃષ્ણ સહજાનંદ સ્વામી મહાપ્રભુમાં 'ઉપાસનાના ભેદ' ન કરવા. એટલે કે મંદિરમાં પધરાવેલ મૂર્તિઓ, સ્વામિનારાણ ભગવાનથી ભિન્ન છે - એવો ભાવ ન રાખવો; પરંતુ એ મૂર્તિઓ સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે એમ સમજવું.

અને શ્રીહરિએ કહ્યું છે કે, મારામાં અને મારાં પ્રતિમારૂપ સંકલ્પસ્વરૂપ - એમાં કિંચિત્ પણ ભેદ નથી; એ પ્રતિમા સ્વરૂપે ભૂતળમાં સાક્ષાત્ હું સ્વામિનારાયણ ભગવાન પ્રકટ છું. માટે પ્રતિમાસ્વરૂપ ને પ્રકટ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમાં અણુમાત્ર પણ ભેદ ન સમજવો.